બાઇકમાંથી પાર્ટસ કાઢી રોકડી કરે તે પૂર્વે જ શિતલ પાર્ક નજીકથી સગીર સહીત બે શખ્સોને દબોચી લેતી ગાંધીગ્રામ પોલીસ
Rajkot,તા.08
શહેરના શિતલપાર્ક નજીકથી ચોરાઉ વાહન સાથે સગીર સહિત બે શખસોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા. પુછતાછ કરતા આ બેલડીએ અન્ય ચાર બાઇકની પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બેલડી પાસેથી રૂપિયા એક લાખની કિંમતના પાંચ બાઈક કબજે કર્યા હતા. મોજશોખ માટે બેલડી બાઈકની ચોરી કર્યા બાદ પેટ્રોલ ખાલી થતા બાઈક મૂકી દેતા હતા તેમજ બાઈકમાંથી પાર્ટસ કાઢી વેચવાની ફિરાકમાં હતા પરંતુ તે પૂર્વે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના શીતલપાર્ક સર્કલથી સંજયનગર તરફ જવાના રોડ પર બે શખસોને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ બંનેની પૂછતાછ કરતા એકનું નામ હાર્દિક દિલીપભાઈ સિંધવ (ઉ.વ 20 રહે. ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ની બાજુમાં હાઉસિંગ બોર્ડના કવાર્ટર) હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય સગીર હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંને પાસે બાઈકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. બાદમાં આ બાઈક ચોરીનું હોવાનું કબુલાત આપી હતી. આ બાઈક માધાપર ચોકડી પાસેથી બેલડીએ ચોરી કર્યું હતું. જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.પોલીસે બેલડીની સઘન પૂછતાછ કરતા તેમણે આ બાઈક ઉપરાંત અન્ય ચાર બાઇકની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે એક લાખની કિંમતના પાંચ બાઇક કબજે કર્યા હતા. બંને મોજશોખ માટે બાઈકની ચોરી કરતા હતા. બાદમાં પેટ્રોલ ખાલી થતા બાઈક રેઢું મૂકી દેતા હતા. એક બાઈકમાંથી સ્પેરપાર્ટ કાઢી વેચવાની ફિરાગમાં હોય પરંતુ તે પૂર્વે જ પોલીસે બંનેને ઝડપી લીધા છે.