ગોંડલ ચોકડી નજીક રીક્ષા સાઈડમાં લેવા હૉર્ન વગાડતા છરી-ધોકા વડે ઇજા પહોંચાડી’તી
Rajkot,તા.07
એસટી બસના ડ્રાયવર અને કંડકટરને ગોંડલ ચોકડી નજીક રીક્ષા ચાલક આણી ટોળકીએ છરી અને ધોકા વડે બેફામ માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે આજીડેમ પોલીસે સંજય વાઘેલા અને પ્રશાંત ગોસ્વામીની ધરપકડ કરી બનાવસ્થળે લઇ જઈ પ્રજાની માફી મંગાવી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગત તા. 4 મેનાં રાત્રિના 8:30 વાગ્યા આસપાસ ગોંડલ ચોકડી ઓવરબ્રિજ નીચે હોર્ન વગાડવા બાબતે અજાણી રિક્ષાના ચાલક તથા રિક્ષામાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ એસટી બસના ડ્રાઇવર અને કંડકટરને છરી તેમજ ધોકા વડે માર મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જે બનાવ અંગે એસટી બસ નંબર જીજે-18-ઝેડટી-1166 ના ડ્રાઇવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43 રહે મીરાબાઈ ટાઉનશીપ, પાળ રોડ, મવડી)ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે ગુના અનુસંધાને એસીપી બી વી જાદવના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ બી જાડેજાની રાહબરીમા અલગ અલગ ટીમો કાર્યરત હતી. દરમિયાન બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સ મારફતે આરોપીઓની ભાળ મેળવી બેલડીને સકંજામાં લઇ લેવામાં આવી હતી.
આજીડેમ પોલીસે સંજય રમેશ વાઘેલા (ઉ.વ.29 રહે કોઠારીયા સોલવન્ટ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર,રાજકોટ) અને પ્રશાંતપરી ત્રિલોકપરી ગોસ્વામી (ઉ.વ.31 રહે. ગાયત્રી નગર શાકમાર્કેટની બાજુમાં, સહકાર રોડ, રાજકોટ)ની ધરપકડ કરી હતી. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કેફિયત આપી હતી કે, બંને શખ્સો પોતાની રીક્ષા રોડ વચ્ચે રાખી ઉભા હતા. ત્યારે એસટી બસના ડ્રાઇવર કિશોરસિંહ જાડેજાએ હોર્ન વગાડી રીક્ષા સાઈડમાં લેવાનું જણાવતા આરોપીઓએ ડ્રાઈવરને બસની નીચે ઉતારી છરી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. કંડકટર વચ્ચે પડતા તેને પણ શરીરે ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
આજીડેમ પોલીસે બેલડીની ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જઈ સરઘસ કાઢી જાહેરમાં જનતાની માફી મંગાવી હતી. પોલીસે આગવી ઢબે કડવાણી ચખાડતા બેલડી ભાંભરડા નાખી ગઈ હતી.