તબીબને ચોટીલા બોલાવી નકલી સોનું ધાબડી દેનાર ટોળકી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
Rajkot,તા.27
શહેરના મોરબી બાયપાસ રોડ પર રહેતા અને ત્યાં જ કલિનિક ચલાવનાર તબીબને ગઠિયાઓએ સોનું સસ્તામાં આપી દેવાની લાલચ આપી તેમની સાથે રૂ.૫ લાખની છેતરપિંડી કરી નકલી સોનું ધાબડી દીધું હતું. જે અંગે તબીબે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે તબીબ ધવલભાઇ પ્રવિણભાઈ મોલીયા (ઉ.વ.૨૮ રહે. બ્લોક નં.૯૯ આસ્થા સાંગ્રીલા એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી ૮૦ ફુટ રોડ રાજકોટ) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રમેશ નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખસ, અજાણી મહિલાના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી ૮૦ ફુટ રોડ ખાતે સમય ગોલ્ડ દુકાન નં.- 5માં “રૂદ્ર કલીનીક’” નામે દવાખાનું ધરાવી પ્રેક્ટીસ કરે છે. ગઇ તા.૧૫/૦૫/૨૦૨૫ ના સવારના અગિયારેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ડોકટર સાહેબ દવા લેવાની છે, તમે કયારે દવાખાને આવશો તેમ પુછતા તબીબે તેમને થોડીવારમાં આવવાની વાત કરેલ અને તે આશરે સાડા અગિયારેક વાગ્યે દવાખાને ગયા હતા. ત્યાં રમેશભાઇ નામની એક વ્યકિત આવેલ હોય જેની ઉંમર આશરે ૩૦ વર્ષ હતી. તેણે પોતાને તાવ આવતો હોય અને કમર દુ:ખે છે તેમ વાત કરેલ હતી. જેથી તેને દવા આપી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે, ગોંડલ ચોકડી પાસે કામ ચાલતુ હોય ત્યાં સાઇડ પર રહીએ છીએ અને અહીં કામ જોવા આવેલ હોવાની વાત કરી જણાવેલ કે, મારી પાસે ચાંદીનો સિકકો છે. જે તબીબને બતાવતા તે ચાંદીનો સિકકો જોયેલ હતો અને તેણે કહ્યું હતું કે આ સિકકાનું કાંઇ ન આવે એમ વાત કરેલ હતી.
બાદ આરોપીએ જણાવેલ કે, અમે મજુરીકામ કરતા હોય અને ખોદકામ કરતી વખતે આ ચાંદીનો સિકકો તથા અન્ય સોનાના દાગીના મળેલ હોવાની વાત રમેશ નામના વ્યક્તિએ તબીબને કરી હતી. બાદ જણાવેલ કે, તમારે સોનાના દાગીના જોતા હોય તો તમે આવીને જોઇ જાજો તેમ વાત કરી જતા રહેલ હતા.
ગઇ તા.૧૬ મેના સવારના દશેક વાગ્યે ફરીવાર તબીબને રમેશનો ફોન આવેલ અને સોનાના દાગીના બાબતે વાતચીત કરી હતી કે, અમે સિવિલ હોસ્પીટલ ખાતે બતાવવા આવવાના છીએ. તમે ત્યાં આવજો અને સોનાના દાગીના જોઈ જજો તેમ વાત કરેલ બાદ બપોરના એકાદ વાગ્યે તબીબ સિવિલ હોસ્પીટલ ચોક ખાતે જઈ તેના મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. બાદમાં રમેશ પુલ નીચે લઈ ગયેલ અને ત્યાં અન્ય એક શખ્સ આશરે ૨૫ વર્ષનો તથા એક બહેન આશરે ૫૫ વર્ષ વાળી હાજર હતાં. ત્યાં આ બહેને કાળી કોથળી ખોલી તબીબને બતાવતા તેમાં પીળી ધાતુની માળાઓ હોય જેથી તબીબે તેમને પુછતા સોનાની હોવાનું જણાવેલ અને આશરે એક કીલો હોવાની વાત કરેલ હતી. બાદ તબીબે તેમને સોની પાસે બતાવાવનું કહેતા તેઓએ તેમાંથી કટકો આપ્યો હતો બાદ તેઓ નીકળી ગયેલ હતા. તબીબે આ સોનું રણછોડનગર ખાતે જઇ પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે જઇ ટચ કરાવતા સોનુ ૧૮ કેરેટ આવેલ હતુ. બાદ તેમણે દાગીના લેવાનું નકકી કર્યું હતુ.બાદ બપોરના આશરે અઢી વાગ્યે ચોટીલા ભકિતવનમાં ઉભેલ હતા. ત્યાં આરોપીને ફોન કરી બોલાવતા તેઓએ બહાર હાઇવે પર ગેઇટ પાસે આવવાની વાત કરેલ હતી. બાદ તબીબ એકલા હાઇવે પર ગેઇટ પાસે ગયા હતાં. ત્યાં રમેશ નામનો આ શખ્સ ઉભો હોય તે ફરિયાદીને સંકલ્પ હોટલ પાસે લઇ ગયેલ હતો. બાદ ત્યાં અગાઉ મળેલ શખ્સ તથા બેન બંને પણ હાજર હતાં.બાદમાં તબીબ તેમની પત્નીને અહીં લાવી આરોપીઓએ વસ્તુ જોવા આપતા તે જોઇ થેલામાં રહેલા રૂ.૫ લાખ આપી દીધા હતાં.
બાદ આરોપી રમેશે જણાવેલ કે, તમે ચેક કરાવી લેજો ખોટુ નીકળે તો અમને પરત આપી દેજો અમે તમને રૂપીયા પરત આપી દેશુ, એમ વાત કરેલ હતી. બાદમાં ફરિયાદી આ સોનુ લઇને રાજકોટ આવેલ અને સીધા સાંજના સમયે રણછોડનગરમાં પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે ગયેલ અને તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળેલ હતુ. બાદ આરોપી રમેશને તેના મોબાઇલમાં ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. ફરિયાદીન પત્નિની તબિયત સારી ન હોવાથી તેમની સારવારમાં વ્યસ્ત હોય તુરંત ફરિયાદ કરી ન હતી હવે તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.