ત્રણ શખ્સોએ કારમાં એઈમ્સ નજીક લઈ જઈ બેફામ માર મારી સોનાના દાગીના, રોકડ, આઈફોન અને કાર પડાવી લીધી’તી
Rajkot,તા.23
સોહમનગરમાંથી કોમ્યુટર એન્જીનીયર યુવકનું અપહરણ કરી એઇમ્સ નજીક લઈ જઈ બેફામ મારમારી સોનાના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટી સાયબર અધિકારીની ઓળખ આપી ૪૦ લાખની ખંડણી મંગવાના ગુનામાં ફરાર બે કુખ્યાત શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધાં હતાં.
બનાવ અંગે મોરબી રોડ પર સોહમ નગર મેઈન રોડ પર મહાકાળી કરિયાણાની દુકાન સામે રહેતાં રણધીરભાઈ રૂપેશભાઈ કટારીયા (ઉ.વ.૨૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોહિત ગોહેલ, રઈસ ખાટકી અને અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે ધોળકામાં આવેલ રાય યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે. તે જે સોસાયટીમાં રહે છે તે જ સોસાયટીમાં અગાઉ મોહિત ગોહિલ નામનો છોકરો રહેતો હતો. તે સોહમનગર નજીકમાં જ આવેલ ટાયરની દુકાનમાં કામ કરતો હતો. તે ઈન્સ્ટાગ્રામમાં મિત્ર છે. જે બાદ બીજા દિવસે રાત્રીના મોહિતનો ફોન આવેલ કે, તું ક્યાં છો, હું સોહમનગર પાસે ઉભો છું તુ બહાર આવ જેથી તે મોહિતને મળવા માટે કાર લઈ સોહમનગર બહાર નીકળેલ અને તે વખતે તેને મળતા કહેલ કે, મારા બે મિત્રો છે, ચાલ તને તેની સાથે મળાવુ તેમ કહી તે ગાડીમાં બેસી ગયેલ એઈમ્સની પાછળ વાળા અવાવરૂ રોડ પર એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈ અચાનક જ મારવાનુ શરૂ કરેલ હતું.તે વખતે રઈશે અને મોહિતે તેમની પાસે રહેલ છરી ઊંઘી મારવાનુ શરૂ કરેલ અને સાથે રહેલ અજાણ્યો શખ્સ ઢીકાપાટુનો માર મારતો હતો. તેમને ખુબ માર માર્યો બાદ હાથમાં રહેલ ત્રણ સોનાની વિંટી અજાણ્યા શખ્સે કાઢી લીધેલ અને ખીસ્સામાં રહેલ રોકડા રૂ.૨૦ હજાર મોહિતે કાઢી લીધેલ હતાં. તેમજ ખીસ્સામાંની એક સોનાની મગમાળા અને આઈફોન પણ મોહિતે કાઢી લીધેલ અને પકડી લઈ ફરીથી ગાડીમાં બેસાડી દિધેલ તે વખતે સાથેના અજાણ્યા શખ્સે ગાડી ચલાવવાનું શરૂ કરેલ અને રઈશ તેમજ મોહિત બંને જણા પાછળની શીટ ઉપર બંને બાજુ ગોઠવાઈ ગયેલ તે બંનેના હાથમાં છરી હતી. તેઓ ચાલુ ગાડીએ પણ મને ઢીક મુક્કાનો માર મારતા હતા.
બાદમાં રઈશે અવાર-નવાર યુવાનના પિતા સાથે વોટ્સેપકોલમાં વાત કરેલ અને પૈસાની માંગણી કરતા જણાવેલ કે, રૂપિયા નહી પહોંચસે તો તારો છોકરો તને જીંદગીભર જોવા નહી મળે તેવી ધમકી આપેલ તે સમયે યુવાનના દુરના કાકા કે જેઓ પોલીસમાં હોય અને જેઓને પિતાએ બનાવ બાબતે જાણ કરી તેઓને મળવા ફુલછાબ ચોક બોલાવેલ હતાં, બાદમાં ગાડીમાંથી બહાર કાઢી રઈશ અને મોહિતે ફરી મારવાનુ શરૂ કરેલ તે વખતે મોહિતને ધક્કો મારી અવાવરૂ જંગલમાં અંધારામાં ભાગી ગયેલ અને આ ત્રણેય આરોપીઓએ પીછો કરેલ પરંતુ ત્યાં ગાઢ અંધારૂ હોય જેથી યુવાન ઝાડીઓમાં લપાઈને સુઈ ગયેલ ત્યાર બાદ તેઓ આજુબાજુ હશે તે ડરથી અંધારામાં જ ચુપચાપ સવાર સુધી પડ્યો રહેલ અને સવાર થતા આજુબાજુ કોઈ નથી તેની ખાતરી કરી ત્યાંથી ભાગી નીકળેલ અને રસ્તામાં આજી-૨ ડેમથી એઈમ્સ પાછળના જવાના રસ્તે એક તબેલો આવતા ત્યાં ઉભેલ માણસ પાસેથી ફોન પિતાને ફોન કરતાં તેઓ અને દોડી આવેલ અને તેને ઘરે પરત લઈ ગયેલ હતાં. યુવાનને ઈજા પહોંચી હોવાથી સારવારમાં પણ ખસેડાયો હતો.
બનાવ અંગેની ફરીયાદ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ ગુનાની ગંભીરતા દાખવી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (કાઇમ) ભરત બસીયા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવાની આપેલ સૂચનાથી આરોપીની તપાસમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિપક ચૌહાણ, રાજેશ જળુ અને કોન્સ્ટેબલ વિશાલ દવેને ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ ચોક્કસ બાતમીના આધારે નાસતા-ફરતા આરોપી મનીષ ઉર્ફે મોહીત ચમન ગોહેલ (ઉ.વ ૨૧, રહે-ગણેશનગર-૮, મોરબી રોડ) અને અલ્બાજ ઉર્ફે રહીસ મોહમદ ભાડુલા (ઉ.વ.૨૩, રહે-મોરબી રોડ ચામડીયાપરા) ને અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને આરોપી રાજકોટથી રાજસ્થાન નાસી છૂટ્યા હતાં અને ત્યાંથી પરત ફરતાં હતાં ત્યારે અમદાવાદ પહોંચતા જ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતાં ટીમ દોડી ગઈ હતી અને બંનેને પકડી પાડ્યા હતાં. ફરીયાદી અને આરોપી મિત્ર હોવાનું સામે આવ્યું છે અને સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો.

