ગારિડાના બે , ચોટીલાના એક શખ્સની ધરપકડ, તલ વેંચી રોકડી કરી લીધાની કેફીયત, મુખ્ય સૂત્રધારની શોધખોળ
Rajkot,તા.16
રાજકોટની ભાગોળે નવાગામ રાણપુર ગામે આવેલા ગોડાઉનમાંથી રૂા. ૪.૭૫ લાખની તલની ૧૦૮ ગુણીઓની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી ચોટીલા,ગારીડાના ત્રણ શખ્સોને દબોચી લઇ મહીન્દ્રા બોલેરો ગાડી કબ્જે કરી છે. જો કે આ ટોળકીએ તલ ચોર્યા એ સાથે જ સસ્તા ભાવે વેંચી માર્યા હતાં. જે ત્રણ શખ્સ પકડાયા છે તેણે સુત્રધાર તરીકે અન્ય એક શખ્સ હોવાનું રટણ કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી હોર્ન ઓકે હોટેલ સામેથી ત્રણ શખ્સોને બોલેરો સાથે પકડી લેવાયા છે. જેમાં ચોટીલાના ખડગુંદાના રણજીત છગન સોલંકી (ઉ.વ.૨૨), રાજકોટના ગારીડાના કેતન ઉર્ફ ભુદીયો ભરત ધરજીયા (ઉ.વ.૨૧) અને જયંતિ કુવરા ધરજીયા (ઉ.વ.૨૦)ને પકડી લઇ જીજે૧ ૩એએક્સ-૧૭૩૦ નંબરની ૬ લાખની બોલેરો કબ્જે કરી હતી.
વધુમાં આરોપીની પૂછતાછમાં સામે આવેલ કે, આ ટોળકીએ ગયા જુલાઇ મહિનાની ૧૪મી તારીખે બોલેરો સાથે નવાગામ આણંદપરના ગોડાઉનમાં ત્રાટકી તલની ગુણીઓ ચોરી લીધી હતી. તે વખતે સંજીવકુમાર રાજેન્દ્રપ્રસાદ શ્રીવાસ્તવની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો હતો.જો કે ઝડપાયેલા ત્રણ શખ્સોએ આ ચોરીમાં સુત્રધાર ગારીડાનો અન્ય એક શખ્સ હોવાનું અને તલ તેણે વેંચી નાંખ્યાનું કહેતાં તપાસ શરૂ થઇ છે. જેથી પોલીસે તે આરોપીની શોધખોળ હાથ ધરી છે.