Rajkot. તા.29
હાલ રાજકોટ શહેરની સ્થિતિ યુપી-બિહાર કરતાંય બદતર થઈ હોય તેવી સ્થિતિ સામે આવી છે. છેલ્લા 15 દિવસમાં છ હત્યા, અનેક ચોરીના બનાવ, લૂંટ અને હવે ફાયરીંગનો બનાવ સામે આવતાં ચકચારની સાથે અફડા તફડી મચી ગઇ છે.
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વેન્ટીલેટર પર હોય તેમ લોકો ભયના ઓથાર નીચે જોવા મળી રહ્યાં છે. લાંબા સમયથી મવડી વિસ્તારની અને જંગલેશ્વરની બે જૂથ વચ્ચે ચાલી આવતી ગેંગવોરે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે અને મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે દસથી વધું રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી.
જો કે ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસ સ્ટેસન, પોલીસ કમિશ્નર કચેરીથી થોડાં અંતરે આવેલ વિસ્તારમાં ફાયરીંગ થયેલ હોવા છતાં પોલીસને જાણ ન થતાં પોલીસ સામે સવાલો ઉઠ્યા છે, સ્થાનિક પોલીસ શું કરતી હતી ? પેટ્રોલિંગ ફક્ત કાગળ પર રહી ગયું કે શું ? દર વખતની જેમ ઘટના ઘટી ગયાં બાદ હવે આરોપીઓને પકડી પોલીસ વાહવાહી મેળવવા દોડશે.
ગઈ રાતે મોડી રાતે બનેલ બનાવની વિગત મુજબ, જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત રમા સંધીનો પતિ જાવીદ જુણેજાને શરીરમાં રસી અને ફેફસાની બીમારીથી પીડિત હોય જેથી તેમને મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. ત્યારે મોડી રાતે રમા સંધીનો પુત્ર સંજલો અને તેનો ભાણેજ સમીર ઉર્ફે મુરઘો તેમને દાખલ કર્યા હતાં.
મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ રમા સંધીનો ત્રણ પુત્રી તેમના પુત્રો સાથે હોસ્પિટલ બહાર બેઠી હતી ત્યારે એક બાઈક અને એક કારમાં ઘસી આવેલ મેટિયો ઝાલા, ભયલું ગઢવી સહિત ચાર શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી દિધું હતી.
હવામાં અને ટેમ્પા પર તેમજ કાર પર થયેલ ફાયરીંગથી દર્દી અને તેના સંબંધી સહિતના રહેવાસીઓમાં ફફડાટ સાથે ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
રાતે બનેલ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતાં. દસથી વધું રાઉન્ડ થયેલ ફાયરિંગથી લોકો ભયભીત થયાં પણ પોલીસ ઊંઘતી જ ઝડપાઈ હતી. સવારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા બાદ દોડી ગયેલ પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી છે.
એ.ડિવિઝન પોલીસે શું કાગળ પર જ પેટ્રોલિંગ વ્યવસ્થા રાખી છે, તે પણ એક તપાસનો વિષય બન્યો છે. ઘટના બાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને તરફ ફાયરિંગ થયેલ છે. અને ખાલી કાર્તિસ પણ ઘટનાસ્થળેથી મળી આવેલ છે. હાલ રમા સંધિના જમાઈ અબ્દુલભાઈ ઘાડા (રહે. કોઠારિયા મેઈન રોડ, નિલમ પાર્ક) ની ફરીયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવ બાદ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા, એસીપી બી.જે.ચૌધરી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને નાસી છૂટેલા આરોપીઓને પકડી વાહવાહી મેળવવા તજવીજ આદરી છે.પ્રગતિ હોસ્પિટલ બહાર દર્દી જાવેદભાઈની પુત્રી રૂબીનાબેન તેની બે બહેન સંતાનો સાથે બેઠા હતાં.ત્યાર આ ઘટના ઘટી હતી.
તેણીએ જણાવ્યું કે પહેલા એક બાઈક આવી બાદમાં એક કાર આવી.જેમાંથી ભયલું ગઢવી, મેટીયો ઝાલા અને બે અજાણ્યા શખ્સો હતા. જેઓએ અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું.જેમાં એક ગોળી કાર પર લાગી હતી.

