રોકડ, મોબાઈલ, દાગીના, વાહન મળી રૂ. 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે, એક શખ્સની શોધખોળ
Rajkot,તા.23
શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી વિસ્તારના રહેણાંક મકાનમાંથી રોકડ, દાગીના, મોબાઈલ મળી કુલ રૂ. 2.80 લાખની ચોરીને અંજામ આપ્યા બાદ બાજુની સોસાયટીમાંથી બે મોટરસાયકલ ઉઠાવી જનાર ચડ્ડી બનિયાન ગેંગના ત્રણ સભ્યોને પોલીસે રૂ. 2.61 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. જયારે એક શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર બનાવની વિગત પર નજર કરવામાં આવે તો ગત તા. 09-07-2025 ના રાત્રીના 11:30 થી તા. 10-07-2025 ના સવારે સાડા પાંચ વાગ્યા દરમ્યાન મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-1 ની સામે આવેલ જીગ્નેશ પાર્ક ખાતે દિનેશભાઈ પ્રેમજીભાઈ વાણીયાના મકાન માં તસ્કરોએ અપપ્રવેશ કરી રોકડ રૂપિયા એક લાખ, સોનાનો ચેન જેની કિંમત રૂ. 1.6 લાખ, સોનાની બુટ્ટી જેની કિંમત રૂ.50 હજાર, સોનાની વીંટી જેની કિંમત રૂ.10 હજાર, ચાંદીનો ચુડો જેની કિંમત રૂ.6 હજાર, ચાંદીની લકી જેની કિંમત રૂ.3 હજાર તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 5 હજાર મળી કુલ રૂ. 2.80 લાખની ચોરી કરી લેવામાં આવી હતી. બાદમાં તસ્કરો ભાગતી વખતે બાજુની સોસાયટીમાંથી બે સ્પ્લેન્ડર મોટરસાયકલની પણ ચોરી કરી લીધી હતી. જે અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એસ એચ શર્માની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધી કાઢવા હ્યુમન તેમજ ટેકનીકલ રિસોર્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
દરમિયાન મેટોડા જીઆઇડીસી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનીકલ રિસોર્સના આધારે જીતેન સોમસિંગ ચૌહાણ (ઉવ 20 રહે. ફૂલડા ગામ, કુકાવાવ, અમરેલી મૂળ રહે. બીડ ગામ, તડવી ફળીયા, અલીરાજપુર, મધ્યપ્રદેશ) જોહરું ધનસિંગ બામણીયા (ઉવ 21 રહે. સુરજી નેસડા ગામ, ટંકારા, મોરબી મૂળ રહે. દેકાકુંડ ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને મહેન્દ્રસિંહ ભોવાનસિંહ મહેડા (ઉવ 20 રહે. છટવાની ગામ, ધાર,મધ્ય પ્રદેશ)ની રોકડ, દાગીના અને વાહન મળી કુલ રૂ. 2.61 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ફરાર આરોપી દિનેશ મશાનિયા (રહે કદવાલ ગામ,અલીરાજપુર, મધ્યપ્રદેશ)ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, જીતેન ચૌહાણ વિરુદ્ધ ચોરી અને મારામારી સહિત સહિતના કુલ આઠ ગુના, જોહરું બામણીયા વિરુદ્ધ ચોરી, પોક્સો સહિતના કુલ પાંચ ગુના અને મહેન્દ્રસિંહ મહેડા વિરુદ્ધ ચોરી, લૂંટ, મારામારીના ચાર ગુના નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા શખ્સો દિવસે ખેત મજૂરી કરતા હતા અને રાત્રીના સમયે ચોરી કરવા ત્રાટકતા હતા.