Mumbai તા.19
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવશે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ની રાત્રે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે ગોળી છાતીમાં વાગતાં બાબા સિદ્દીકીનું લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ ગોળીબાર ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડિપોર્ટ કર્યો છે. એનઆઈએ તેના પર દસ લાખ પિયાનું ઈનામ જાહેર કર્યું હતું એ અનમોલ બિશ્નોઈ દિલ્હી પહોંચશે.
અનમોલ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ મુખ્ય કાવતરાખોર હોવાની માહિતી મુંબઈ પોલીસે વિશેષ અદાલતમાં આપી હતી.
આ કેસમાં અનમોલ બિશ્નોઈ ફરાર આરોપી દર્શાવાયો હતો. જોકે, આ ઘટનાના બે મહિનામાં અનમોલ બિશ્નોઈને યુએસ ખાતે તાબામાં લેવાયો હતો, જેથી તે યુએસની જેલમાં હતો. હવે અનમોલ બિશ્નોઈને આવતીકાલે દિલ્હી લાવવામાં આવશે.
સવારે 10 વાગ્યે દિલ્હી પહોંચવાના અહેવાલને લઈ એરપોર્ટની સુરક્ષામાં વધારો કર્યો છે. ઉપરાંત, ત્યાં કાયદેસરની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. ત્યાર પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી સંબંધિત એજન્સી કસ્ટડીમાં લેવામાં આવશે.
દિલ્હી એરપોર્ટ ખાતે દિલ્હી પોલીસની અનેક ટીમ હાજર રહેશે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અનમોલ બિશ્નોઈની સામે દેશમાં 32થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં 20 કેસ તો રાજસ્થાનમાં છે. વિવિધ કેસમાં અપહરણ, હત્યાની કોશિશ સહિત ટાર્ગેટ કિલિંગનો સમાવેશ થાય છે. સૌથી પહેલા કઈ એજન્સી કસ્ટડીમાં લેશે એનો નિર્ણય પણ કેન્દ્ર સરકાર પણ લઈ શકે છે.

