કર્મચારીએ જ થડાની ડુપ્લીકેટ ચાવી બનાવી બે મિત્રો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો’
ત્રિપુટીને દબોચી રૂ.31 હજારની રોકડ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
Rajkot,તા.01
સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલ ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાંની દુકાનમાંથી રૂ. 1.36 લાખની રોકડ ચોરીનો બનાવ ગત 25 એપ્રિલના રોજ સામે આવ્યો હતો. જે મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શો રૂમના કર્મચારી સહીત ત્રિપુટીને ઝડપી લઇ રૂ. 31 હજારની રોકડ કબ્જે કરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શો રૂમનો કર્મચારી જ મુખ્ય સૂત્રધાર હોય અને તેણે જ થડાની ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરીનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વિવેકભાઇ ભાબુભાઈ ઘેડીયાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોરઠીયાવાડી સર્કલ નજીક ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાની દુકાનમાં નોકરી કરી આખી દુકાન સંભાળે છે. તે દુકાનમાં યુવકની નીચે કરણ, કાર્તીક તથા રણવીર ઉર્ફે રાણો કામ કરતા હતા. ગઈ તા. ૧૦/૦૪/૨૦૨૫ ના બપોરના ચાર વાગ્યા બાદ મોટા ભાઈ મીત બાબુભાઇ ઘેડીયાએ ગેંગસ્ટર દુકાનના કેશ કાઉન્ટરમા તેના ધંધાના રૂ.૧.૩૫ લાખ મુકેલ હતા. બાદ ગઈ તા. ૧૨/૦૪/૨૦૨૫ ના રોજ કેશ કાઉન્ટરમા ચેક કરતા મીતએ ગઈ તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ રાખેલ રૂ.૧.૩૫ લાખ મળી આવ્યા ન હતા. ઉપરાંત ઉપરના ખાનામાં દુકાનના ધંધાના 1800 રૂપિયા પણ મળી આવ્યા ન હતા. ઉપરાંત ચાવી પણ કેશ કાઉન્ટરના ખાનામા લગાડેલ હાલતમાં જોવા મળી હતી. જે બાદ સીસીટીવી ચેક કરતા એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હોય અને કેસ કાઉન્ટરમાંથી રૂ. 1.36 લાખની રોકડ ઉઠાવી જતાં દેખાયો હતી અને તે સમયે દુકાનનો કર્મચારી રણવીર ઉર્ફે રાણો જીવરાજભાઈ પરમાર દુકાન બહાર સફાઈ કરતો હતો તેવું તેણે જણાવ્યું હતું. કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલ બંધ પેટ્રોલ પંપ પાસેથી ત્રણ ઈસમોને ચોરીના રૂપિયા સાથે પકડી લેવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દુકાનના કર્મચારી રણવીર જીવરાજભાઈ પરમાર (ઉ.વ.19 રહે. ખોડીયારનગર શેરી નંબર-2, આંબેડકર નગર પાસે, આજી વસાહત, રાજકોટ), કરણ વાલજીભાઈ સોલંકી (ઉ.વ. 25 રહે. આંબેડકરનગર શેરી નં.-3, 80 ફૂટ રોડ,રાજકોટ) અને કોહિનૂર દિનેશભાઈ જાદવ (ઉ.વ.19 રહે સ્વસ્તિક વિલાસ સોસાયટી શેરી નં.-3 મોરબી રોડ, રાજકોટ)ની ધરપકડ કરી કુલ રૂ. 31 હજારની રોકડ કબજે કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દુકાનના કર્મચારી રણવીરે જ ચોરીનો આખેઆખો પ્લાન ઘડ્યો હતો અને કેશ કાઉન્ટરની ડુપ્લીકેટ ચાવી પણ રણવીરે તૈયાર કરાવી કરણ અને કોહિનૂર નામના મામા-ભાણેજ જે રણવીરના મિત્રો હોય તેમને બોલાવી ચોરીને અંજામ અપાવ્યો હતો. એક શખ્સ અંદર કાઉન્ટરમાંથી નાણાની ઉઠાંતરી કરી રહ્યો હતો જ્યારે બીજાએ બહાર રેકી કરી હતી.