Amreli ,તા.25
અમરેલી જિલ્લામાં છાશવારે ગાંજો અથવા તો ગાંજાનું વાવેતર કરતાં શખ્સો ઝડપાતા હોય જે ચિંતાનો વિષય હોય ત્યાં વધુ એક વખત ધારીના ઇન્દિરાનગરની પાછળ આવેલ ગ્રામ પંચાયત વોટર વર્કસ પાસે રહેતા એક ખેડૂતે પોલીસ સ્ટેશનની પાછળ થોડે દુર જ ઉભા ખેતરમા છ માસથી લીલા ગાંજાનુ વાવેતર કર્યુ હતુ. જે અંગે એસઓજીની ટીમને બાતમી મળતા જ ગઈકાલે અહી ત્રાટકી ગાંજાના 340 છોડના વજન આશરે ૧૧૪.૦૭ કી.ગ્રા.કબજે લઇ રૂપિયા ૧૧,૪૦,૭૦૦નો મુદામાલ કબજે લેવામા આવ્યો છે.
આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી એસ.ઓ.જી.ના સ્ટાફને મળેલી બાતમીના આધારે ગઈકાલે રવિવારે સાંજના સમયેઅમરેલી એસ.ઓ.જી. પોલીસની ટીમ ધારીમા નવી વસાહત નજીક પાણીના ટાંકા પાસે અને અહીના પોલીસ મથકની પાછળની બાજુ માત્ર થોડા અંતરે રમેશ અરજણભાઇ વેકરીયા નામના ખેડૂતના ખેતરમાં ત્રાટકી હતી. અને ત્યાંથી ગાંજાના 340 છોડના વજન આશરે ૧૧૪.૦૭ કી.ગ્રા. કબજે લઇ રૂપિયા ૧૧,૪૦,૭૦૦નો મુદામાલ કબજે લેવામા આવ્યો હતો. આ ગાંજો જ્યાંથી ઝડપાયો હતો તે ખેડૂતે છ માસ પહેલા ચોમાસામા રમેશ વેકરીયાએ તુવેરનુ વાવેતર કર્યુ હતુ. અને તુવેરની આડમા વચ્ચે વચ્ચે ગાંજાના છોડ પણ વાવ્યા હતા.
હાલમા આ છોડ છ માસના મોટા કદના બની ગયા હતા. આમ છતા થોડા અંતરે જ આવેલા છતાં કોઇને ખબર પડી ન હતી. ત્યારે અમરેલી એસઓજીની ટીમે અહી તુવેરના છોડ વચ્ચેથી લીલા ગાંજાના 340 છોડ ઝડપી લીધા હતા. જેનુ વજન કરવામા આવતા આ લીલા છોડનુ વજન ૧૧૪.૦૭ કિલો થયુ હતુ. પ્રતિ કિલો રૂપિયા 10 હજારના ભાવ લેખે એસઓજીએ અહી ૧૧,૪૦,૭૦૦નો મુદામાલ કબજે લઇ અને આરોપી રમેશ વેકરીયાને ઝડપી લીધો હતો. બાદમા આ શખ્સને ધારી પોલીસને સોંપી તેની સામે ગુનો નોંધાવવા કાર્યવાહી કરી હતી.
અગાઉ બાબરા અને દામનગર પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું અમરેલી જિલ્લામા ભુતકાળમા પણ અનેક ખેડૂતોને આ રીતે લીલા ગાંજાનુ વાવેતર કરતા ઝડપી લેવાયા હતા. પાછલા વર્ષોમા બાબરા અને દામનગર પંથકમાથી પણ મોટા પ્રમાણમા લીલો ગાંજો ઝડપાયો હતો.