New Delhi, તા.૨૪
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂજારા ૨ વર્ષથી વધુ સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ સાથે નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ પૂજારાની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે.
ગૌતમ ગંભીરે તેના એક્સ હેન્ડલ પર પૂજારા માટે લખ્યું છે કે, તે તોફાન વચ્ચે પણ અડગ રહ્યો, જ્યારે આશાઓ ખતમ થઈ ગઈ ત્યારે પણ તે લડ્યો. અભિનંદન પુજ્જી! ગૌતમ ગંભીર અને પૂજારા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ખેલાડીઓ તરીકે સાથે રમ્યા, પરંતુ ગંભીરના કોચિંગ હેઠળ પૂજારાને એક પણ મેચમાં તક મળી નહીં.
ગૌતમ ગંભીર કોચ બન્યા પછી ભારતીય ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. ગંભીર કોચ બન્યા પછી અત્યાર સુધીમાં ચાર સિનિયર ખેલાડીઓએ ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. તો અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચેતેશ્વર પૂજારાએ ૨૦૧૦માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો પૂજારાએ ભારત માટે ૧૦૩ મેચ રમી હતી. ટેસ્ટમાં પૂજારાએ ૪૩.૬૦ની સરેરાશથી ૭૧૯૫ રન બનાવ્યા છે. પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદી પણ ફટકારી છે. આ ફોર્મેટમાં પૂજારાનો સર્વોચ્ચ સ્કોર ૨૦૬ રન છે. ટેસ્ટ ઉપરાંત પૂજારાને પાંચ વનડે મેચ રમવાની પણ તક મળી છે.