Madagascar,તા.14
નેપાળમાં હિંસક આંદોલન કરી Gen Z એટલે કે યુવાઓ દ્વારા સરકાર ઉથલાવી દેવામાં આવતાં હવે વિવિધ દેશોના યુવાઓએ પોતાના દેશની સરકાર વિરૂદ્ધ આંદોલન છેડ્યું છે. આ પહેલા નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન બાદ ત્યાંના રાષ્ટ્રપ્રમુખ આંદ્રે રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે. રાજોએલિનાએ એક દિવસ અગાઉ જ દાવો કર્યો હતો કે, સેનાની મદદથી દેશમાં તખ્તાપલટના પ્રયાસો થઈ રહ્યા છે.
આ પહેલા ગયા મહિને નેપાળમાં પણ યુવાઓ દ્વારા આવા જ ઉગ્ર વિરોધ-પ્રદર્શનો થયા હતા, જેના પગલે ત્યાંના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ, ફ્રાન્સના રાષ્ટ્ર્પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ સૈન્ય વિમાને રાષ્ટ્રપ્રમુખ આંદ્રે રાજોએલિનાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ કાર્યાલય અને વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઉલ્લેખનીય છે કે, મડાગાસ્કરમાં ગયા મહિને પાણી અને વીજળીની અછતના કારણે યુવા પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
આ યુવાનો દેશમાં મૂળભૂત સેવાઓની કમી અને વ્યાપક સરકારી ભ્રષ્ટાચારને લઈને સરકારથી નારાજ હતા. આ પ્રદર્શનો દરમિયાન યુવાનો અને સુરક્ષા દળો વચ્ચે પણ અથડામણો થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હતા.
રાજ્યોએલિનાએ 2009માં સેનાનું સમર્થન મેળવીને સત્તા કબજે કરી હતી. ત્યારબાદ 2014માં તેમણે પદ છોડ્યું હતું, જોકે 2018માં ફરી ચૂંટણી જીતીને રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.