Ahmedabad,તા.૪
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાય છે. માંડ માંડ એક વિવાદ થાળે પડે ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય છે. ત્યારે એક તરફ કોંગ્રેસના નવા સુકાનીને શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યાં બનાસકાંઠામાં એક નેતાની નારાજગી સામે આવી છે.
બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી છે. ભરતસિંહ વાઘેલાએ સંસદ ગેનીબેન ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી ભરતસિંહ વાઘેલાનું નામ નક્કી હોવા છતાં ગેનીબેન ઠાકોરે ભરતસિંહ વાઘેલાનું પત્તુ કપાવી દેવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી છે .
ભરતસિંહ વાઘેલાનું નામ કાપી ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બનાવ્યાનો આક્ષેપ તેઓએ પાર્ટી સામે કર્યો છે. તેમણે કહ્યું કે, મને ગુલાબસિંહ રાજપૂત સામે કોઈ વાંધો નથી મારો વિરોધ ગેનીબેન ઠાકોર સામે છે. ગેનીબેન ઠાકોર જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે. મેં પક્ષમાં મારી વાત મૂકી છે તે બાદ જ યોગ્ય નિર્ણય લઇશ.
ભરતસિંહ સોલંકી ૧૮ વર્ષની વયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જિલ્લાથી લઈને પ્રદેશ કોંગ્રેસ સુધી નેતૃત્વ કરી ચૂક્યા છે. આવામાં બનાસકાંઠામાં ભરતસિંહના જવાથી મોટો ઝટકો પડી શકે છે. ભરતસિંહ વાઘેલા નારાજગીને પગલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટી કદર નથી કરતી એટલે રહેવામાં મજા નથી. કોંગ્રેસ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે. એટલે હવે અહી રહેવામાં મજા નથી.
ભરતસિંહ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો પણ વેગવંતી બની છે. તેઓએ જાહેરમાં ગેનીબેન સાથે નારાજગી વ્યક્ત કરી છ. અગાઉ પણ તેઓ આ વાત કરી ચૂક્યા છે. જો ભરતસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તો કોંગ્રેસની વોટબેંકને મોટી અસર પડી શકે છે.