Surendranagar, તા.28
સુરેન્દ્રનગર – વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ખરાબ રસ્તા, લાઇટોનો અભાવ, પાણીની અસુવિધાઓના કારણે મજુર, કામદારો તેમજ કારખાનેદારો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
બીજી તરફ આ જીઆઇડીસી વિસ્તારમાં જ કેન્દ્રનગર સરકારની ઇએસઆઈ તેમજ જીપીસીબીની કચેરી અને રાજય સરકારની જીઆઈડીસી કચેરી આવેલી છે. પરંતુ આ કચેરીઓ પણ ખરાબ રસ્તા, બાવળોના ઝૂંડોના કારણે હાલાકી ભોગવી રહી છે.
સુરેન્દ્રનગરમાં આવેલી એક માત્ર જીઆઇડીસી અંદાજે 50 હજારથી પણ વધુ લોકોને રોજીરોટી આપી રહી છે. બે ફેઝમાં વેચાયેલી જીઆઇડીસીમાં અંદાજે 750 થી વધુ નાના મોટા કારખાના કાર્યરત છે.
પરંતુ જીઆઇડીસીમાં રોડ, પાણી, વીજળી અને સફાઇની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પાયાગત સુવિધા ન મળવાને કારણે ઔદ્યોગીક એકમનો વિકાસ અટકી ગયો હોવાની રાવ ઉઠી છે.
કારણ કે આ વિસ્તારોમાં રસ્તાઓની રિપેરીંગ, વરસાદી પાણીના નિકાલ, વીજળી, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતા કોઇ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે.

