Bhavnagar,તા.10
ભાવનગરની સિહોર જીઆઈડીસી-1માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને પોતાના અન્ય સાથીદારો સાથે મળી દોઢ વર્ષના સમયગાળામાં રોલિંગ મીલમાંથી બારોબાર 350 ટન લોખંડ વેચી દઈ રોલિંગ મીલ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસી-1માં આવેલી નવભારત સ્ટીલ રી-રોલિંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલ (રહે.ટોડા ગામ, તા.સિહોર)એ સિહોર પોલીસ મથકમાં અમોલભાઈ ગીરીશભાઈ ગુજરાથી (રહે.કાળિયાબીડ), ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર, મેહુલ પંડયા (ત્રણેય રહે. ભાવનગર) અને વિશાલ સાટીયા (રહે.કરદેજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ઉક્ત અમોલભાઈ તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જેઓની પાસે ઉત્પાદન અને વેચાણની જવાબદારી હતી. જ્યારે ભાવેશભાઈ, યોગેશભાઈ અને મેહુલભાઈ તેમની કંપનીમાંથી દલાલી પર લોખંડના વેચાણ કરાવતા અને વિશાલભાઈ સાટીયાના ટ્રાન્સપોર્ટમાંથી લોખંડ ભરવા માટે ગાડી મોકલતા હતા.
પાંચેય લોકોએ મળીને દોઢ વર્ષના સમયગાળામાં બીલમાં લોખંડ ઓછું બતાવી અને ટ્રકમાં વધારે ભરી દોઢ વર્ષમાં કંપનીમાંથી આશરે રૂ. બે કરોડનું 350 ટન લોખંડ બારોબાર વેચી દીધું હતું. સમગ્ર હકીકત બહાર આવતા મેહુલભાઈએ તેમના ભાગમાં આવેલા રૂ.35 લાખ જમા કરી દીધાં હતા પરંતુ મેનેજર સહિત બાકીના ચારેયે અવાર-નવાર ઉઘરાણી છતાં તેમના ભાગની પુરી રકમ નહી આપી રૂ।.53 કરોડની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

