Gandhinagar,તા.3
વેપાર-ઉદ્યોગની સરળતા તથા ઈઝ ઓફ ડુઈંગના બિઝનેશ હેઠળ રાજય સરકાર તબકકાવાર નિર્ણયો લઈ જ રહી છે. સાથોસાથ મહેસુલી જોગવાઈઓને પણ સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે જીઆઈડીસીમાં આવેલા જમીનનાં પ્લોટ-મિલકતોનાં મુકત વ્યવહારો કરવાની છૂટ આપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજય સરકારે તાજેતરમાં ઔદ્યોગીક સહિતની લીઝ (ભાડાપટ્ટા)ની જમીનોમાં કાયમી હકક આપવાનો નિર્ણય લીધો હતો હવે જીઆઈડીસીમાં આવેલા જમીનનાં પ્લોટ-મિલકતોનાં મુકત રીતે વેચાણ-વ્યવહારની છુટ આપવા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
15 વર્ષ સુધી જમીનના પ્લોટ ટ્રાન્સફર કરવાના પ્રતિબંધની જોગવાઈ દુર કરવામાં આવશે. આ સંભવિત નિર્ણયથી જીઆઈડીસીનાં ઔદ્યોગીક એકમોને લાભ થશે ઉપરાંત જીઆઈડીસી પાસેનાં ઉપલબ્ધ સ્ત્રોતનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે.
રાજયના ઔદ્યોગીક એકમો અનેકવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. વિવિધ પ્રશ્ર્નો-મુશ્કેલીઓ ઉકેલવા વખતોવખત માગણી કરતા હોય છે. કેટલીક માંગણીઓ વર્ષો જુની હોય છે. જીઆઈડીસીનાં પ્લોટનાં ટ્રાન્સફરની છુટ આપવાની પણ માંગ હતી તે વિશે સરકાર હવે નીતિવિષયક બદલાવ કરવાની તૈયારીમાં છે.
રાજય સરકારનાં માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે જીઆઈડીસીના પ્લોટ-જમીનને લગતા અનેકવિધ પ્રશ્ર્નો વિશે સરકારે ઔદ્યોગીક સંગઠનો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા. સરકારે પ્લોટ ટ્રાન્સફરની છુટ આપવાની સાથોસાથ ટ્રાન્સફર ફી પણ સાવ મામુલી રાખવા સહમતી દર્શાવી છે.રાજયભરની જીઆઈડીસી માટેની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ જમીનના પ્લોટ 15 વર્ષ બાદ ફ્રી ગોલ્ડ થાય છે.
3એટલે ઔદ્યોગીક એકમોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક સમસ્યાને કારણે એકમોમાં સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થઈ શકતો નથી. પરીણામે સમગ્ર ઔદ્યોગીક વિકાસને અસર થાય છે.રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે સુચિત નીતિ વિષયક સુધારાથી ઉદ્યોગ જગત ઉપરાંત સરકારને પણ લાભ થશે.
ઔદ્યોગીક એકમો મુક્ત રીતે જમીન વેચી શકશે અને નવા ઉદ્યોગ સાહસીકો સરળતાથી જમીન મેળવીને એકમ આપી શકશે. ઔદ્યોગીક વસાહતોના સમગ્ર વિસ્તારનો ઉપયોગ થઈ શકશે. જગ્યા ખાલી નહીં રહેશે. પરીણામે સરકારને નવી ઔદ્યોગીક વસાહતો બનાવવી નહિં પડે.
જીઆઈડીસીમાં જમીનના પ્લોટની ટ્રાન્સફર છુટ આપવા ઔદ્યોગીક એકમો માટે મંજુરી પ્રક્રિયા સરળ બનાવવા સહિત વિસ્તૃત પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ સુચિત કદમથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં મદદ મળવાનો સુર ઔદ્યોગીક સંગઠનોએ દર્શાવ્યો છે.