વેરાવળ તા.4
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે. જુન મહિનામાં જ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો છે
જેમાં ચાલુ વર્ષે તાલાલામાં સૌથી વધુ 14.16 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે કોડીનારમાં જુન મહિના સુધી સૌથી વધુ 6.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો ગત વર્ષ અને આ વર્ષે પણ જુન મહિના સુધીમાં ગીર ગઢડા તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષના જુન મહિનાના વરસાદની વાત કરીએ તો, તા.30-06-2025ના છેલ્લા પત્રકમાં વરસાદના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં તાલાલામાં 14.16 ઇંચ, ઉનામાં 8.56 ઇંચ, કોડિનારમાં 8.12 ઇંચ, સુત્રાપાડામાં 13.52 ઇંચ, વેરાવળ-પાટણમાં 9 ઇંચ અને ગીર ગઢડામાં 7.6 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ગત વર્ષે જુન મહિના સુધીના આંકડા જોઇએ તો, તા.30-06-2024ના છેલ્લા પત્રકમાં વરસાદના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં તાલાલામાં 5.2 ઇંચ, ઉનામાં 2.84 ઇંચ, કોડિનારમાં 6.56 ઇંચ, સુત્રાપાડામાં 5.56 ઇંચ, વેરાવળ-પાટણમાં 3.36 ઇંચ અને ગીર ગઢડામાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આમ, જિલ્લામાં જુન મહિના સુધીમાં કુલ સરેરાશ 10.16 ઇંચ વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો છે. કારણ કે, ગત વર્ષ જુન મહિના સુધી સરેરાશ માત્ર 4.2 ઇંચ જ વરસાદ નોંધાયો હતો.