Gir Somnath તા.૨૧
મતદારયાદી સુધારણાના કામકાજના બોજે વધુ એક શિક્ષકનો જીવ લીધો છે. આ કામનું ભારણ એટલું હતું કે ગીર સોમનાથના કોડિનારમાં દેવળી ગામના આ શિક્ષક બીએલઓ અરવિંદભાઈ વાઢેરે આત્મહત્યા કરી છે. શિક્ષકે પાછી મોત પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. તેમા તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે નોકરીની સાથે-સાથે હવે મતદારયાદી સુધારણાના કામકાજનો બોજ તેનાથી સહન થતો નથી.
નોકરીનો સમય સાચવવાની સાથે-સાથે મતદારયાદી સુધારણાનું કામ, તેના પર સતત મોનિટરિંગ, કામકાજ પૂરા કરવા માટે દૈનિક ધોરણે આપવામાં આવતા લક્ષ્યાંક અને કામ ન થાય તો પગલાં લેવા માટે આપવામાં આવતી ધમકીઓના કારણે હું કંટાળી ગયો છે. મને પોતાને લાગે છે કે મારાથી હવે કશું કામ નહીં થઈ શકે. જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે રાત્રે જાગો કે દિવસે જાગો પણ આ કામ પૂરુ કરો. તેના કારણે નોકરીના સમય પછી ઘરે રહીને પણ રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ બધુ અસહ્ય થઈ ગયું હતું. આના કારણે હું પોતે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.
મતદારયાદી સુધારણાના કારણે શિક્ષકોની જાણે પનોતી બેઠી છે. તેઓનું કહેવું છે કે આ કામ ઉનાળાના વેકેશનમાં પણ રાખી શકવામાં આવ્યું હોત. આટલું ઓછું હોય તેમ જિલ્લા ચૂંટણી અધિકારીના મેસેજ પણ વાઇરલ થયા છે, જેમા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રાત્રે મોડે સુધી જાગીને પણ બીએલઓની કામગીરી પૂરી કરવામાં આવે. આવો જ સંદેશો અરવિંદ વાઢેરને પણ આવ્યો હતો. આ બાબત તેનો પુરાવો છે કે શિક્ષકો પર ટાર્ગેટ પૂરુ કરવા કેવું દબાણ છે.
તેઓએ રાત્રો મોડે સુધી જાગવાનું હોય છે અને વહેલી સવારે ઉઠીને ફિલ્ડમાં પણ જવાનું હોય છે. નોકરી તો કરવાની જ હોય છે. તેમા કોઈ રાહત અપાતી નથી. આશ્ચર્યની વાત એ છે કે આના માટે તેમને સગવડો કોઈ અપાતી નથી. તેમને નથી કોઈ વાહન અપાતુ કે નથી કોઈ બીજી સગવડ અપાતી, કેટલાક જોખમી વિસ્તારોમાં જતાં બીએલઓને કોઈ સલામતી પણ પૂરી પડાતી નથી.
તેના પહેલા કપડવંજમાં જાંબુડી ગામમાં રહેતા નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું પણ બીએલઓની કામગીરીના બોજાના કારણે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ બીએલઓની કામગીરીને લઈને દસેક દિવસથી ખૂબ જ દોડધામમાં રહેતા હતા અને ઉજાગરા પણ ખૂબ થતા હતા. તેના કારણે હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું.
આમ શિક્ષકની આત્મહત્યાના પગલે શૈક્ષણિક સંઘમાં ઉગ્રતા વ્યાપી ગઈ છે. પ્રાથમિક શિક્ષક સંઘે આ મુદ્દે સરકારને રજૂઆત કરી છે. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચાલુ સત્રમાં શિક્ષકો પાસેથી આ કામગીરી કરાવવાનો શું અર્થ છે, તેના કારણે શિક્ષણ પણ બગડે છે અને કામગીરી પણ સરખી થઈ શકતી નથી. ઉનાળાના વેકેશનમાં આ કામગીરી થઈ શકી હોત. તેમા પણ પ્રાથમિક શિક્ષણ સંઘે તો બીએલઓની કામગીરીને લઈને બહિષ્કારની ચીમકી આપી દીધી છે. ચૂંટણીપંચે શિક્ષકની આત્મહત્યાને લઈને હાથ અદ્ધર કરી દીધા છે અને જવાબ આપવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટર અને એસપીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

