Surendranagarતા.15
સુરેન્દ્રનગર થી ભાગીને સગીર પ્રેમી સાથે ગાંધીનગરમાં લિવઇનમાં રહેતી યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે. એટલું જ નહીં પ્રેમીના પિતા દ્વારા પણ નજર બગાડીને શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ પોલીસે ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં નાની ઉંમરમાં સગીર વયના બાળકો પણ પ્રેમ જાળમાં ફસાઈ રહ્યા છે.
ત્યારે આ વખતે સુરેન્દ્રનગર ખાતે લીમડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતી તેની બહેનપણીના ભાઈ સાથે જ પ્રેમમાં પડયા બાદ હવે તેને પસ્તાવાનો વારો આવ્યો છે.જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે યુવતીની બહેનપણીને તેનો સગીર ભાઈ કોલેજ લેવા-મૂકવા જતો હતો.
સગીર દરરોજ બહેનને કોલેજ મૂકવા જતો હોવાથી યુવતી સાથે ઓળખાણ થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીતનો દોર શરૃ થયો હતો અને સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા હતા. સમય જતા બંને પ્રેમમાં પડયા હતા.
પ્રેમીની ઉંમર નાની હોવાથી બન્ને લિવ-ઈનમાં રહેવા લાગ્યાં. આ દરમિયાન પ્રેમીના પિતાની ગાંધીનગર બદલી થતા પરિવાર સેકટર 14માં રહેવા આવી ગયો હતો. જોકે, પ્રેમી પંખીડા એકબીજા વિના રહી શકતા નહીં હોવાથી યુવતી સગીર પ્રેમી સાથે ગત એપ્રિલમાં સુરેન્દ્રનગરના લીંબડીથી ભાગીને ગાંધીનગર આવી ગઈ હતી. કાયદાકીય રીતે સગીરની લગ્નની ઉંમરમાં એક વર્ષ બાકી હોવાથી બંને જણા લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
બાદમાં પ્રેમીના પરિવારે બંનેને સ્વીકારી લેતા યુવતી સેક્ટર 14માં રહેવા આવી ગઈ હતી. લગ્નના સપના સાથે પ્રેમીની પુખ્ત થવાની રાહ જોઈને લિવ-ઇનમાં રહેવા લાગી હતી. જોકે સગીર પ્રેમીના વર્તનમાં ફેરફાર આવ્યો હતો.
ત્યારે પ્રેમીને અન્ય યુવતી સાથે અફેર હોવાનું જાણીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ એકલતાનો લાભ ઉઠાવી પ્રેમીના પિતાએ પણ અડપલા કરવાનું શરૃ કર્યું હતું. જેથી તે પરત ઘરે પહોંચી હતી અને હવે આ સગીર સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે.