Mumbai,તા.20
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઉંચામાં ઔંશના ૨૬૦૦ ડોલરને આંબી ગયાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો થતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું એક્ટિવ બાઈંગ જોવા મળ્યું હતું.
વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો માહોલ પ્રવર્તતો રહ્યો હતો. જો કે શ્રાદ્ધપક્ષના કારણે બજારમાં નવી માગ ધીમી રહી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૫૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૯૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૭૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચામાં ૨૬૦૦ ડોલર થયા પછી ૨૫૮૦થી ૨૫૮૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૩૧.૪૦થી ૩૧.૫૦ થઈ ૩૧.૦૯થી ૩૧.૧૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ૧૨ હજાર ઘટી ૨ લાખ ૧૯ હજાર આવ્યાના સમાચાર હતા. ત્યાં આવા બેરોજગારીના દાવાઓ ૪ મહિનાના તળિયે ઉતર્યા હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટ મજબૂત બની રહ્યાના સંકેતો મળ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ૧૦ લાખ બેરલ્સ ઘટવાની અપેક્ષા હતી તેના બદલે ત્યાં આવો સ્ટોક ૧૬ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનીસ્ટ્રેશને જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૯૭૯થી ૯૮૦ વાળા વધી ૯૯૫ થઈ ૯૯૧થી ૯૯૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે ૧૧૧૫ વાળા ઘટી ૧૦૪૨ થઈ ૧૦૯૬થી ૧૦૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૬ ટકા ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ વધ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૩.૧૬ વાળા વધી ૭૪.૬૨ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ ૭૦.૬૬ વાળા વધી ૭૧.૭૯ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૨૬૯૪ વાળા રૂ.૭૩૧૯૧ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૩૨૫૭ વાળા રૂ.૭૩૪૮૫ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૪૦૬ વાળા રૂ.૮૮૪૧૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.