Goa,તા.28
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે. જો કે શર્મિલાએ પોતાનો અવાજ પણ ચાહકો સમક્ષ રજૂ કર્યો હતો. ગોવામાં ચાલી રહેલાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં, તેમણે ગાયક સોનુ નિગમ સાથે મળીને 1967 માં રિલીઝ થયેલું પ્રખ્યાત ગીત ’આસમાન સે આયા ફરિશ્તા’ ગાયું હતું. આ ગીતમાં લોકપ્રિય ગાયક મોહમ્મદ રફીને હિન્દી સિનેમામાં તેમનાં યોગદાન માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ દરમિયાન સુભાષ ઘાઈ, અનુરાધા પૌડવાલ, સોનુ અને શાહિદ રફી જેવી હસ્તીઓ સ્ટેજ પર હાજર હતી. જેમણે રફી સાહબના ઘણાં જૂના ક્લાસિક ગીતો ગાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આસમાન સે આયા ફરિશ્તા ગીત ઈન ઈવનિંગ ઈન પેરિસ ફિલ્મનું છે. આ ગીત પીઢ અભિનેતા શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શર્મિલા ડબલ રોલમાં જોવા મળી હતી.
ગોવામાં આયોજિત 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાએ રાજ કપૂર, તપન સિન્હા, અક્કીનેની નાગેશ્વર રાવ અને મોહમ્મદ રફી જેવાં ફિલ્મ જગતનાં ઘણાં સ્ટાર્સને શ્રદ્ધાંજલિ આપી છે.
તાજેતરમાં, સિનેમાનાં દિગ્ગજ રાજ કપૂરને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યાં તેમનાં પૌત્ર અભિનેતા રણબીર કપૂરે તેમની સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી હતી.