Mumbai, તા.19
દિવાળી પછી સોના-ચાંદીમાં મંદી થયા બાદ એકાએક તેજીનો વળાંક આવી ગયો હતો. સોનામાં રૂા.1000 તથા ચાંદીમાં રૂા.1600નો ઉછાળો હતો. રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો હાજર ભાવ 78000ની સપાટી કુદાવી ગયો હતો. રૂા.1025ના ઉછાળાથી 78025 થયો હતો. ચાંદી પણ રૂા.1550ના ઉછાળાથી 96550 થઈ હતી.
ઝવેરીઓએ જણાવ્યું હતું કે ગઈરાત્રે વિશ્વબજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો અને તે પાછળ વૈશ્વિક કારણ હતું. રશિયા-યુક્રેન યુદ્ધને અંદાજીત ત્રણ વર્ષ થવા આવ્યા છે. તે નવેસરથી ગંભીર સ્તરે પહોંચવાના એંધાણ હોય તેમ અમેરિકાએ લાંબા અંતરની મીસાઈલ વાપરવા યુક્રેનને છુટ આપી છે.
આ સંજોગોમાં કેટલાંક દિવસોથી ધીમુ પડેલુ યુદ્ધ ફરી વકરી શકે છે. આ કારણોથી સોના-ચાંદી સળગ્યા હતા. લોકલ સ્તરે લગ્નગાળાની ખરીદીનો ધમધમાટ છે. કેટલાંક દિવસોથી ભાવ નીચા આવ્યા હોવાથી રાહત હતી. ફરી ભાવ ઉછળતા ઘરાકી પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત થવા લાગી છે.