New Delhi,તા.30
કેન્દ્ર સરકારનાં શનિવારે રજુ થનારા સામાન્ય અંદાજપત્ર પુર્વે સોના પર આયાત ડયુટી વધવાની અટકળો વહેતી થઈ છે અને તેને પગલે દેશભરની ઝવેરીબજાર સોની વેપારીઓ, તથા ઈન્વેસ્ટરોનાં જીવ અધ્ધર થયા છે.
ગત બજેટમાં ઘટાડેલી સોના-ચાંદી પરની ડયુટીમાં ફરી વખત વધારો કરવામાં આવે તો કિંમતી ધાતુ વધુ મોંઘી બનવાનાં ભણકારા છે. કેટલાંક દિવસોથી વિવિધ કારણોસર સોના-ચાંદીનાં ભાવો ઉછાળો સુચવી જ રહયા છે.
જાણકારોનું કહેવુ છે કે, વેપાર ખાદ્યને કાબુમાં લેવા તથા ડયુટી ઘટાડા બાદ સોનાની આયાતમાં વૃધ્ધિથી બહાર ઢસડાતાવિદેશી હુંડીયામણને નિયંત્રીત કરવા માટે સરકાર સોના-ચાંદી પરની આયાત જકાતમાં વધારો કરી શકે છે.કેટલાંક દિવસોથી માર્કેટમાં આ અટકળો ચાલી જ રહી છે. ઝવેરીઓનો એક વર્ગ જોકે સરકાર છ મહિનામાં જ પીછેહઠ કરે તેવી વાત માનવા તૈયાર નથી.
ઝવેરીઓનાં કહેવા પ્રમાણે સોના-ચાંદીની આયાત જકાતમાં ઘટાડા બાદ તેની ડીમાંડમાં વધારો થયો છે. પરીણામે આયાતમાં વૃધ્ધિ થઈ છે. સામે ભારતીય નિકાસમાં વધારો થયો નથી. સોનાની આયાત વધતા વિદેશી હુંડીયામણ ખેંચાયુ છે.પરીણામે રાજકોષિય ખાધ વધી રહી છે અને કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો તૂટીને 87 ના માર્ગે પટકાવા લાગ્યો છે.
સરકારે ડીસેમ્બરમાં જારી કરેલા નવેમ્બર મહિનાથી વેપાર-ખાદ્યના આંકડામાં મોટો વધારો માલુમ પડયો હતો અને તે પાછળનું એક મોટુ કારણ સોનાની મોટી આયાતનું હતું. પ્રાથમીક અંદાજ પ્રમાણે સોનાની આયાત 14.8 અબજ ડોલરે પહોંચી ગઈ હતી જે કુલ વ્યાપારીક આયાતની 21 ટકા હતી.જોકે, ત્યારબાદ ગણતરીમાં ભુલ થયાનું જાહેર કરાયુ હતું અને છતા સોનાની આયાત ભારતીય અર્થતંત્ર અને ચિંતાજનક હોવાનું ગણાવાયું હતુ.
સોનાની રેકોર્ડબ્રેક આયાત છતાં જકાતમાં કોઈ વધારો નહિં કરવાની રજુઆત ઝવેરી સંગઠન દ્વારા કરવામાં આવી છે. સંગઠને એવો તર્ક રજુ કર્યો છે કે નીચી આયાત જકાતથી દાણચોરી પર લગામ આવી છે અને તેને કારણે કાયદેસરની આયાતમાં વૃધ્ધિ છે. સસ્તી આયાત જકાતથી ભારતીય ઝવેરી ઉદ્યોગ વૈશ્વિક સ્પર્ધામાં સામેલ થઈ શકયો છે.
ભારત સરકારે ગત જુલાઈમાં સોના-ચાંદી પરની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી હતી. અત્યાર સુધીનો આ મોટો આયાત જકાત ઘટાડો હતો 2013 પછી પ્રથમ વખત આયાત જકાત 10 ટકાથી નીચે આવી ગયો છે. જોકે, ત્યારબાદ સોનાની આયાતમાં મોટો વધારો થયો હતો.પરંતુ જવેલરી નિકાસમાં 23 ટકાનો ઘટાડો હતો.
ફરી ગોલ્ડ બોન્ડ યોજનાનો વિકલ્પ
કેન્દ્ર સરકારે ગત જુલાઈના બજેટમાં સોના-ચાંદીની આયાત જકાત ઘટાડવામાં આવી હતી. ગોલ્ડ બોન્ડ યોજના ખતમ કરવાની હિલચાલ હોવાની અટકળો હતી. છેલ્લે ફેબ્રુઆરી 2024 માં ગોલ્ડ બોન્ડ ઈસ્યુ આવ્યો હતો. ત્યારે એક ગ્રામનો ભાવ રૂા.6262 નકકી કરવામાં આવ્યો હતો સરકારે સોનાની ફીઝીકલ ડીમાંડ ધટાડવા માટે 2015 માં ગોલ્ડ બોન્ડ યોજના જાહેર કરી હતી.