Mumbai,તા.30
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજીનો સિલસિલો ચાલુ રહ્યો હોય તેમ આજે વધુ મોટો ઉછાળો નોંધાયો હતો. સોનુ 106870 તથા ચાંદી 1,23,890 ની નવી ઉંચાઈએ પહોંચી હતી.
અમેરિકાનાં ટેરિફવોર રશીયા-ચીન યુદ્ધનો અંત આવતો ન હોય, ટેરિફનાં વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાપક પ્રત્યાઘાત પડવાની આશંકા અમેરીકામાં વ્યાજદર ઘટવાના સંકેતો સહિતના અનેકવિધ કારણોથી સોના-ચાંદી માર્કેટ કેટલાંક વખતથી જોરદાર તેજીમાં છે અને હજુ આ દોર ચાલૂ જ છે.
મોડીરાત્રે વિશ્વબજારમાં ભાવ વધુ ભડકયા હતા. આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 3448 ડોલરે પહોંચ્યુ હતું. ચાંદીનો ભાવ 39.72 ડોલર હતો.રાજકોટમાં હાજર સોનું 1100 રૂપિયાના ઉછાળાથી 106890 હતું.ચાંદી 2690 રૂપિયા વધીને 123890 હતી બન્નેના ભાવ અત્યાર સુધીની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.
જાણકારોનાં કહેવા પ્રમાણે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીનાં 8 મહિનાના ગાળામાં ચાંદીમાં 36 ટકાનું ધરખમ રિટર્ન મળ્યુ છે. ગત 1લી જાન્યુઆરીએ ચાંદીનો ભાવ રૂા.86500 હતું સોના કરતા પણ ચાંદીમાં વધુ કમાણી થઈ છે.
સોનાને લાગે વળગે છે ત્યાં સુધી ગત 1 જાન્યુઆરીએ 10 ગ્રામ સોનું 79200 હતું તેમાં 37 ટકાનું રીટર્ન મળ્યુ છે. કેટલાંક વખતથી વૈશ્વિક સ્તરે ભૌગોલીક ટેન્શન આર્થિક ચિંતા જેવા કારણોથી ઈન્વેસ્ટરો સેફ હેવન સોના-ચાંદી તરફ વળ્યા છે. દુનિયાભરની બેંકો પણ ખરીદી કરતી હોવાની ભાવો સળગી રહ્યા છે.
રાજકોટના ટોચના જવેલરે કહ્યું કે અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે ભારતીય રૂપિયામાં ગાબડુ પડતા અને ઐતિહાસીક તળીયે સરકી જતાં ઘર આંગણે ભાવ વધારો મોટો છે આવતા દિવસોમાં કરન્સી માર્કેટની હલચલ વધુ અસર સર્જી શકે છે ટેરિફ અનિશ્ચિતતાનો પણ પ્રત્યાઘાત છે.
ભારતમાં આવનારા મહિનાઓમાં દશેરા-દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તેવા સમયે સોના-ચાંદીનાં ઉંચા ભાવથી કારોબારને મોટો ફટકો લાગવાની ભીતિ છે.