Mumbai,તા.12
સોનામાં રેકોર્ડબ્રેક તેજી બાદ હવે કડાકાધડાકા શરૂ થયા હોય તેમ આજે 10 ગ્રામે 3300 રૂપિયાનુ ગાબડુ પડયુ હતુ. તેજીના કારણે ઘણા અંશે ઉકેલાવા લાગતા માનસ પટકાયુ હતું. ઘરઆંગણે તથા વિશ્વસ્તરે કડાકો સર્જાયો હતો.
રાજકોટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ ગગડીને 96400 થયો હતો. વિશ્વબજારમાં તે ઘટીને 3227 ડોલર થયુ હતું. ચાંદીમાં રૂા.2000નો કડાકો નોંધાવવા સાથે ભાવ 96800 થયો હતો. વિશ્વબજારમાં 32.17 ડોલરનો ભાવ હતો.
જાણકારોના કહેવા પ્રમાણે અત્યાર સુધી જેના જોરે તેજી થઈ હતી તે કારણો ઉકેલ ભણી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દુર થવા સાથે સિઝફાયર થયુ છે. આ સિવાય અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડડીલ થઈ જતા ટેરીફ વોરનુ જોખમ પણ દુર થવાનુ માનવામાં આવી રહ્યું છે.
રશિયા-યુક્રેન વચ્ચે પણ યુદ્ધવિરામના પ્રયાસો થવા લાગ્યા છે તે વાસ્તવિક બને તો માર્કેટમાં વધુ અસર શકય છે. ટુંકાગાળા માટે માર્કેટમાં હવે નેગેટીવ સ્થિતિ રહેવાનું માનવામાં આવે છે.
વેપારીઓના કહેવા પ્રમાણે ભાવ માર્કેટનો ટ્રેન્ડ સ્પષ્ટ થયા બાદ ખરીદી વધવાનુ મનાય છે. લગ્નગાળાની ખરીદીની ચમક આવી શકે છે.