Mumbai,તા.22
સોનામાં સટ્ટો હોય કે વાસ્તવિક ઉછાળો પણ તેજી આંધીરૂપ બની છે અને ભાવમાં આજે પણ બેફામ વૃધ્ધિ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાનો ભાવ 3400 ડોલરવાળો 3500 ડોલરની નજીક પહોંચી ગયો હતો. રાજકોટ-ભારતીય માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ 2600 નો ઉછાળો નોંધાયો હતો.
સામાન્ય રીતે શેરબજારમાં મોટી ઉથલપાથલ થતી હોય છે. પરંતુ તેને પણ ભુલાવે તેવી તેજી સોનામાં જામી હોય તેમ રોજેરોજ નવા ઉંચા ભાવ જોવા મળી રહ્યા છે. વર્લ્ડ માર્કેટમાં ગઈકાલે સાંજે સોનું 3400 ડોલરને આંબ્યુ હતું હવે રાતોરાત 3500 ડોલરની નજીક પહોંચ્યુ હતું આજે સવારે ઉંચામાં 3494 ડોલર થઈને 3488 ડોલર બોલાતુ હતું. ચાંદીનો વૈશ્વિક ભાવ 32.82 ડોલર હતો.
રાજકોટમાં સોનું ગઈકાલે એક લાખ રૂપિયાને વટાવી ગયુ હતું. આજે વધુ ઉંચકાયું હતું અને ભાવ 1,02,200 પર પહોંચ્યો હતો ગઈકાલની સરખામણીએ 2600 રૂપિયાનો ભાવ વધારો હતો. સોનામાં બેફામ તેજી વચ્ચે ચાંદીમાં કોઈ મોટી મુવમેન્ટ ન હતી ભાવ મામુલી 250 રૂપિયાના વધારાથી 98750 સાંપડયો હતો.
વેપારીઓનાં કહેવા પ્રમાણે સોનામાં તેજી પાછળ અનેક કારણો જવાબદાર છે. ડોલર તૂટવા લાગતા તેના બદલે સોનામાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો છે.ટેરિફ-ટ્રેડવોરમાં નવા-નવા વળાંક આવતા હોવાથી પરિસ્થિતિ થાળે પડતા વાર લાગશે તેવી આશંકાનો પ્રત્યાઘાત હતો.
ચીન સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોની ખરીદી, બબ્બે યુદ્ધ તથા અન્ય ભૌગોલીક ટેન્શન, અમેરિકામાં વ્યાજદર ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ વચ્ચે ખટરાગ તથા અર્થતંત્રમાં સ્લોડાઉનની શંકા, ટ્રેડવોર વચ્ચે ચીનના નવા પડકાર સહિતના કારણોથી તેજી બેફામ બની છે.
સુવર્ણ વર્ષ! 2025 માં સોનામાં 28 ટકાથી વધુનો ભાવવધારો
સોનાનાં ભાવમાં બેફામ તેજી છે. ભાવ એક લાખની સપાટીને પાર થઈ ગયો છે. 2025 નું ચાલુ કેલેન્ડર વર્ષ સોના માટે ‘ગોલ્ડન’ બન્યુ હોય તેમ અત્યાર સુધીમાં 28 ટકાથી વધુનો ભાવ વધારો થઈ ગયો છે.
10 ગ્રામ દીઠ અંદાજીત 23500 રૂપિયા વધી ગયા છે.ઝવેરીઓથી માંડીને ગ્રાહકોમાં સોનાની આ તેજીથી સોંપો છે અને રીટેઈલ માર્કેટમાં પણ જોરદાર તેજી છે.