Ahmedabad, તા.2
અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા ત્રણ મુસાફરો પાસેથી 2.65 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત રૂ.2.56 કરોડ છે. આરોપી મોજામાં સોનાની પેસ્ટ છુપાવીને લાવ્યા હતા. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે.
આ ઘટના મામલે કસ્ટમ વિભાગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટના 6 સિલ્વર કલરના પાઉચને મોજામાં છૂપાવી અમદાવાદ લાવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1. સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નં. 6E 1478 માં દુબઇથી અમદાવાદ આવતા એક પુરૂષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોએ મોજામાં છુપાવેલા સિલ્વર કલરના 6 પાઉચ મળી આવ્યા હતા.
આ પાઉચની તપાસ કરતા તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની કુલ બજાર કિંમત રૂ. 2.56 કરોડ છે. જેથી કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ વિભાગે ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે.
છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દાણચોરો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં સોનું છુપાવવા, તેને રાસાયણિક દ્રાવણમાં ભેળવવા અથવા શરીરના પોલાણમાં છુપાવવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.