સીટી પોલીસમાં બે મહિલાઓ સહીત કુલ પાંચ શખ્સો વિરુદ્દ નોંધાતો ગુનો
Gondal,તા.13
ગોંડલમાં બાળકને શેરીમાં રમવા દેવા નહિ તેવું કહેનાર શખ્સ અને તેના પરિજનોએ પાડોશી પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બે મહિલાઓ સહીત પાંચ શખ્સોના હુમલામાં દંપતીને ઇજા થતાં ગોંડલ સીટી પોલીસે દંપતીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
મામલામાં ગોંડલના ભગવતપરાના બરકતીપરામાં રહેતા અને ત્રણ ખુણીયા નજીક પેટ શોપ ધરાવતા આસિફસાહુ બકાતીસાહુ શાહમદાર (ઉ.વ.28)એ ગોંડલ સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સાહીલ ધમભાઇ ખાટકી, ધમભાઇ ખાટકી, બોબી ધમભાઇ ખાટકી, સબાના બોબીભાઈ ખાટકી અને ગુડીબેન સાહીલભાઈ ખાટકીનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના આશરે બે વાગ્યાની આસપાસ હું દુકાને હતો તે દરમિયાન મારા પત્નીનો મને ફોન આવેલ કે, આપણો દીકરો અખિલ ઘરની બહાર રમતો હતો તે દરમિયાન બાજુમાં રહેતા સાહિલ ધમભાઈ ખાટકી આવી અને છોકરાને અહીં રમવા દેવાના નહિ કહી જતાં રહેલ હતા. જેથી હું ઘરે આવી સાહીલ સાથે વાત કરી લઈશ તેમ જણાવ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ઘરે જઈને સાહીલને બોલાવી વાતચીત કરતો હતો દરમિયાન સાહિલના પિતા ધમભાઈ ઉર્ફે રજાકભાઈ ખાટકી ધસી આવ્યા હતા ને મારી સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ હતા. બાદમાં બંનેએ મને ઢીકા પાટુનો માર માર્યો હતો. દરમિયાન પાછળથી ધમભાઈનો દિકરો બોબી લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને બે ઘા માર્યા હતા. જેથી મારી પત્ની અલવીરાબેન મને છોડાવવા માટે આવતા બોબીએ તેને પણ બે ત્રણ ઘા મારી દીધેલ હતા. બાજુમાં બોબીની પત્ની સબાનાબેન તથા સાહિલની પત્ની ગુડુબેન ઉભેલ હોય તે પણ આવી ગયેલ અને મારા પત્નીને ઢીકાપાટુંનો મુંઢમાર મારેલ હતો. હુમલાના પગલે આજુબાજુ રહેતા માણસો આવી જતા અમોને છોડાવેલ અને આ લોકો જતા જતા કહેતા ગયા કે હવે તમારા છોકરાઓ અહીં રમશે તો તમને જાનથી મારી નાખવા પડશે તેમ કહી જતાં રહેલ હતા.
હુમલા બાદ ફરિયાદી અને તેના પત્નીએ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.