Gondal,તા.03
ગોંડલના ભુણાવા ગામે બે જૂથ વચ્ચે સશ ધીંગાણું થતાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જે મામલે ૧૭ શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જૂની ચાલી આવતી અદાવતે મોટુ સ્વરૃપ ધારણ કર્યું હતું અને બંને જૂથ હથિયારો સાથે સામસામે આવી જતાં મારામારી થઈ હતી.આ પ્રકરણમાં પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભુણાવા ગામે દરબારગઢમાં રહેતાં વિજયસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૪૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સિદ્ધરાજસિંહ નિરૃભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરૃભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રુદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લક્કીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગા ચાવડા (રહે.તમામ ભુણાવા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ સાથે વેપાર પણ કરે છે. તેઓને આરોપીઓ સાથે અગાઉ ધંધાકીય બાબતે માથાકૂટ થયેલ હોય અને તે બાબતે પોલીસ ફરીયાદ પણ થયેલ હતી.
ફરિયાદી વિજયસિંહ ગઈ તા.૩૧ ના સાંજના સમયે ભુણાવા ગામમાં આવેલ શિવ પ્રોવિઝન સ્ટોર નજીક હતાં ત્યારે આરોપીઓએ જૂની અદાવતનો ખાર રાખી લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે ત્રાટકી જીવલેણ હુમલો કરી દિધો હતો.ે આરોપી સિદ્ધરાજસિંહ જાડેજાએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી દેતાં તેઓ બેભાન થઈ ઢળી પડયા હતાં. તેમજ તેમની સાથે રહેલ અન્ય તેમના ભાઈઓ તેમને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ બેફામ મારમાર્યો હતો.જેમાં કૃષ્ણપાલસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા અને ભગિરથસિંહ ઉર્ફે ભગી જાડેજાને પણ માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી આરોપી નાસી છૂટયા હતાં. બનાવમાં ઘવાયેલા ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડયા હતાં.
જ્યારે સામાપક્ષે ભુણાવા ગામમાં રહેતાં યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા, ભગિરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, હરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજા અને અજાણ્યા બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, આરોપીઓ સામે અગાઉથી જૂની અદાવત ચાલી આવે છે. ગઈ તા.૩૧ ના તેઓ ગામમાં શિવ પ્રોવિઝન સ્ટોર પાસે હતાં ત્યારે આરોપીઓ એ છરી, લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે ત્રાટકી જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ ઝઘડામા યશપાલસિંહનેે રાજેન્દ્રસિંહે માથાના ભાગે પાઈપનો ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. તેમજ તેઓને બચાવવા આવેલ નરેન્દ્રસિંહ જાડેજાને સહિતના તેઓના ભાઈઓને પણ છરી-લાકડાના ઘા ઝીંક્યા હતાં. તેમજ મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતાં. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ૧૭ શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી છ આરોપીની ધરપકડ કરી હતી.