રાજ્ય બહાર નાસી જાય તે પૂર્વે જ તાલુકા, એલસીબી, એસઓજી ટીમે રીબડા ચોકડી નજીકથી રીક્ષાને આંતરી પકડી પાડ્યો
Gondal,તા.04
ગોંડલના મોટા મહીકા ગામે છ દિવસ પૂર્વે સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પ્રથમ મૃતદેહ હસમુખ ધાણજાનો હોવાનું જાહેર થયું હતું પણ પોલીસની તપાસમાં આ મૃતદેહ રાજકોટના સંદીપગીરી ગૌસ્વામીનો હોવાનું ફલિત થતાં હસમુખ ધાણજા અને એક બાળ કિશોરે સંદીપગીરીને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી દઈ લાશ સળગાવી નાખ્યાનું ખુલવા પામ્યું હતું. જે બાદ ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી હસમુખ ધાણજાની શોધખોળ કરી રહી હતી. દરમિયાન હ્યુમન રિસોર્સથી હત્યારો પોતાની પત્નીને મળવા આવ્યો હોય તાત્કાલિક પોલીસની ટીમો દોડી ગઈ હતી અને રીક્ષામાં નાસવા જતાં પોલીસે હસમુખ ધાણજાને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના મોટા મહીકામાં ગત તા.27/12/2024ના રોજ ખંઢેર હાલતમાં રહેલા મકાનમાંથી રાજકોટના પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં લાશ મળી હતી. રહસ્યમય ઘટનાની પોલીસ તપાસમાં આ લાશ હસમુખ ધાણજાની નહીં પણ તેના મિત્ર સંદીપગીરીની હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઈ હતી.
બનાવમાં તપાસ કરતા આરોપી હસમુખ મુળશંકર વ્યાસ (ઉ.વ.46) (રહે. સદગુરૂ સોસાયટી, મોરબી રોડ, રાજકોટ)એ શાપરના બાળ કિશોર સાથે મળીને સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી (રહે. નાગેશ્વર, શાંતિનગર-1 ભવન બી-વીંગ- 402, રાજકોટ)ની હત્યા નીપજાવી, લાશ સળગાવી નાખી તેની બાજુમાં હસમુખએ પોતાના ડોક્યુમેન્ટ રાખી દઇ ખોટી સ્ટોરી ઉભી કરી હતી.
પરંતુ પોલીસે ખોફનાક કાવત્રાનો ગણતરીની કલાકોમાં ઘટફોસ્ટ કરી શાપર રહેતા સગીરને ઉઠાવી લઇ તપાસ હાથ ધરી નાશી છુટેલા ખોફનાક સ્ટોરીનાં માસ્ટર માઇન્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન હ્યુમન રિસોર્સથી પોલીસને માહિતી મળી હતી કે, હસમુખ પોતાની પત્નીને મળવા આવ્યો હોય અને ત્યારબાદ રાજ્ય બહાર નાસી જવાનો હોય ત્યારે પોલીસની ટીમો તાતકાલિક દોડી ગઈ હતી અને રીબડા ચોકડી નજીક ભાગી રહેલા હસમુખની રીક્ષાને આંતરી ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો હતો.