Gondal,તા.02
ગત દિવાળી પર્વના બીજા દિવસે ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મહેમાન તરીકે ગણેશ જાડેજાએ પણ હાજરી આપી હતી. ત્યારે પાટીદાર સમાજના આગેવાન રાજુ સોજીત્રાને ફોન કરી ધમકાવનાર રાજેશ સખીયા વિરુદ્ધ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસમાં બે સમાજ વચ્ચે રાગદ્વેષ ઉભો થાય તેવા ઉશ્કેરણીજનક શબ્દો બોલવા તેમજ ધમકી આપવા સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
ગોંડલના જેતપુર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે લેઉવા પટેલ સમાજમાંથી છીએ અને ક્ષત્રિય સમાજ સહીત તમામ સમાજના લોકો સાથે પારીવારીક તથા ભાઈચારાથી રહીએ છીએ. થોડા સમય પૂર્વે ખોડલધામ ખાતે સ્નેહમીલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમા મહેમાન તરીકે જયોતીરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોડલ) સહિતના આગેવાનો અને મહેમાનો પધારેલ હતા.
ફરિયાદીએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમ બાદ સોશીયલ મીડીયામાં એક ઓડીયો કલીપ વાયરલ થઇ હતી. જેમા ખોડલધામ સમીતીના આગેવાન રાજુભાઈ સોજીત્રા તથા આરોપી રાજુભાઈ સખીયાની વાતચીત થયેલ હતી.
જેમાં રાજુભાઈ સખીયાએ રાજુભાઈ સોજીત્રાને કહેલ કે ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોડલને કેમ બોલાવ્યા? લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બિનપટેલ ને કેમ બોલાવો છો? હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રીય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો અમે પોતે અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઈએ અને જરૂર પડયે હિંસા પણ કરીશુ. આ પ્રકારનું આપત્તીજનક, બન્ને સમાજ (લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજ) વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક વિધાનો અને જેનાથી કોઈ ટોળા કે સમુહને હિંસા કરવા ઉત્તેજન મળે તેવા વિધાનો ઓડિયો કલીપમાં ખોડલધામ સમીતીના આગેવાન રાજુભાઈ સોજીત્રાને કહેલ હતા. રાજુભાઈ સખીયા અભદ્ર વાણી વિલાસ કરીને બન્ને સમાજની લાગણી દુભાય તે રીતે બન્ને સમાજમાં દુશ્મનાવટની ભાવનાને પ્રોત્સાહન આપતુ નિવેદન આપ્યું છે. જેથી રાજેશ સખીયા વિરુદ્ધ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
પોલીસે મામલામાં બી.એન.એસની કલમ-૧૯૨, ૧૯૬(૧)(એ), ૩૫૩ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.