Gondal, તા.૨૧
Gondal વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરાની છેડતીના બનાવમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સંવેદનશીલ રીતે કાર્યવાહી કરી હતી. કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજણના માધ્યમથી છેડતી કરનાર યુવકે પોતાની ભૂલ સ્વીકારી સગીરા અને તેની માતાની માફી માંગી હતી.
૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ સગીરાની માતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરી હતી કે તેમની ૧૬ વર્ષની દીકરીને પડોશમાં રહેતા એક યુવક દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. કોલ મળતાની સાથે જ ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમે સગીરા સાથે વિશ્વાસપૂર્વક વાતચીત કરતાં તેણે જણાવ્યું કે તે ઘરની બહાર પાણી ભરવા ગઈ હતી ત્યારે પડોશમાં રહેતો યુવક તેની પાસે આવી તેને પોતાની સાથે આવવા માટે દબાણ કરતો હતો તેમજ અપશબ્દો બોલી હેરાન કરતો હતો. આ ઘટનાથી સગીરા ભયભીત થઈ ગઈ હતી અને ઘરે જઈ સમગ્ર વાત પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ માતાએ વિલંબ કર્યા વગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
ઘટના સમયે યુવક સ્થળ પર હાજર હોવાથી ૧૮૧ની ટીમે તેની સાથે કડકાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શરૂઆતમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી નહોતી, પરંતુ કાયદાકીય જોગવાઈઓ અને સંભવિત કાર્યવાહી અંગે સમજાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી લીધી હતી. યુવકે સગીરા અને તેની માતાની જાહેરમાં માફી માગી હતી તેમજ ભવિષ્યમાં ક્યારેય આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હતી.
૧૮૧ અભયમની ટીમે સગીરા અને તેના પરિવારને જરૂરી કાયદાકીય માહિતી, માર્ગદર્શન અને સલાહ આપી હતી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હોવાથી તથા સગીરા અને તેના પરિવારે આગળ કાયદાકીય કાર્યવાહી ન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં, બંને પક્ષોની સંમતિથી સ્થળ પર જ સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું.તેમજ મહિલાઓ અને બાળાઓ સામે કોઈપણ પ્રકારની છેડતી, હેરાનગતિ અથવા અસુરક્ષાની સ્થિતિ સર્જાય તો વિના સંકોચે ૨૪૭ ટોલ-ફ્રી નંબર ૧૮૧ પર સંપર્ક કરી તાત્કાલિક મદદ મેળવવા જણાવેલા..

