Gondal . તા.31
ગોંડલ સબ જેલમાં સિગરેટ, પાન મસાલા, ફાંકી ભરેલું જબલું જેલની બહારથી અંદર ફેંકવામાં આવ્યો હતો. ઉપરાંત ઠંડા પીણાની બે બોટલનો પણ ઘા કરવામાં આવતા જેલ કર્મચારીઓએ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગોંડલ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ગઈકાલે એસઆરપીએફ ગ્રુપ-13 ના કોન્સ્ટેબલ એભાભાઈ સાખડની ફરજ કોટ પાળી ગાર્ડ તરીકે હતી. દરમિયાન બપોરે આશરે પોણા ચાર વાગ્યે ગોંડલ સબ જેલ ખાતે મુખ્ય દીવાલની બહારના ભાગેથી અજાણ્યા શખ્સ દ્વારા મુખ્ય દીવાલ કુદાવી એક કાળા પ્લાસ્ટીકનુ ઝબલુ તથા અલગથી ઠંડા પીણાની બે બોટલ બહારથી ફેંકવામા આવેલ હતી.
જે વોચ ટાવર નં.04 ની અને યાર્ડ નં.02 ની દીવાલની વચ્ચે પડ્યું હતું. જેથી જેલ કર્મચારીઓ દ્વારા જનરલ સુબેદાર જોઇન્સભાઈ એ.કલાસવાનાને જાણ કરવામાં આવી હતી.
બાદમાં જેલ અધિક્ષકની ઓફિસ ખાતે ઝબલું ખોલીને તપાસ કરતા તેમાંથી સુગંધીત તંબાકુ વાળા મસાલા નંગ-25, સીગરેટના પાકીટ નંગ-ર તથા રજનીગંધા પાન મસાલાની પડીકી નંગ-5 અને પથ્થર ના ટુકડા આશરે 100 ગ્રામ જેટલા મળી આવ્યા હતા.
તેમજ અલગથી પ્લાસ્ટીકની 500 મીલીની ઠંડા પીણાની બે બોટલ કબ્જે કરી બહારથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ફેંકનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.