Ahmedabad,તા.3
દેશના અનેક ભાગોમાં મેઘતાંડવ છતા સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલી નવી સિસ્ટમથી ગુજરાતમાં નવો સારો રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે હવામાન પરિબળો વિશે વાતચીતમાં કહ્યુ કે ઉતર પશ્ચિમી બંગાળની ખાડીમાં એક વોલમાર્ક લો-પ્રેસર છે તેની સંલગ્ન અપર એર સરકયુલેશન 7.6 કીમીના લેવલ સુધી વિસ્તરેલુ છે. અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે. આવતા ચોવીસ કલાકમાં ઓડીશા પરથી પસાર થઈને પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શકયતા છે.
ચોમાસું ધરી શ્રીગંગાનગર જયપુર, ગુના, જબલપુર, પેન્ડ્રા રોડ, થઈને વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સુધી અને પુર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી છે.આ સિવાય દક્ષિણ હરીયાણા તથા આસપાસનાં વિસ્તારો પર અપર એર સાયકલોનિક સરકયુલેશન છવાયેલુ છે. અને તે 3.1 કીમીનાં લેવલ સુધી વિસ્તરે છે. આ ઉપરાંત એક ટ્રેક રૂપે વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ છે જે 7.6 કીમીની ઉંચાઈએ છે.
અશોકભાઈ પટેલે તા.9 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં કહ્યું કે વેલમાર્ક લો-પ્રેસર સિસ્ટમમાં પ્રભાવ હેઠળ ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ કરતા ગુજરાત રીજીયનમાં વરસાદનું જોર વધુ રહી શકે છે.
ગુજરાત રીજીયનમાં ભારે વરસાદ શકય છે.અમુક સીમીત વિસ્તારમાં ઘણો ભારે વરસાદ શકય છે. આગાહીના સમયમાં 40 થી 60 ટકા વિસ્તારનાં 50 થી 100 મીમી (2 થી 4 ઈંચ) 30 ટકા વિસ્તારમાં 100 થી 200 મીમી (4 થી 8 ઈંચ) તથા 30 ટકા વિસ્તારમાં 50 મીમી (બે ઈંચથી ઓછો) વરસાદ થવાનું અનુમાન છે. એકલદોકલ વિસ્તારમાં 8 ઈંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી હળવો-મધ્યમ તથા વ્યાપક વરસાદની સંભાવના 26 થી 75 ટકા છે. 40 થી 60 ટકા વિસ્તારમાં આગાહીનાં સમયગાળા દરમ્યાન 35 થી 75 મીમી (દોઢથી ત્રણ ઈંચ) 30 ટકા વિસ્તારમાં 75 થી 150 મીમી (3 થી 6 ઈંચ)તથા 30 ટકા વિસ્તારમાં 35 મીમી (દોઢ ઈંચથી ઓછો) વરસાદ શકય છે.એકલદોકલ લોકેશનમાં 200 મીમી (9 ઈંચ)થી વધુ વરસાદ શકય છે.