પાછલા થોડા સમયથી, તમારું ગૂગલ એકાઉન્ટ ફુલ થવામાં છે અથવા તો ફુલ થઈ ગયું છે એવી નોટિસ તમને સતાવે છે? ગૂગલ ના ફ્રી પ્લાનમાં મળતી કુલ ૧૫ જીબી સ્પેસ ક્યાં વપરાઈ ગઈ એ તમે તપાસવા જાઓ તો સમજાય કે આપણો મોટો દુશ્મન તો ગૂગલ ફોટોઝ એપ છે!
તમે જાણતા જ હશો કે ગૂગલ એકાઉન્ટના ફ્રી પ્લાનમાં મળતી સ્પેસમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ આ ત્રણ સર્વિસમાં વપરાતી સહિયારી સ્પેસ ગણાય છે. અગાઉ ગૂગલ ફોટોઝમાં આપણને અનલિમિટેડ સ્પેસ મળતી હતી, પણ હવે એવું રહ્યું નથી. તેમાં વપરાતી સ્પેસ આખરે આપણા કુલ સ્ટોરેજમાં જ ગાબડું પાડે છે, એ પણ મોટું.
જો તમે સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ કે વર્કિંગ પ્રોફેશનલ ન હોય તો કદાચ જીમેઇલ કે ગૂગલ ડ્રાઇવમાં ૧૫ જીબીની સ્પેસ પૂરતી થઈ રહે, પણ હવે તો આપણા ફોનના કેમેરાથી આપણે ફટાફટ ફોટો-વીડિયો લઈ શકીએ છીએ. એ બધાનો બેકઅપ, જો આપણે એવું સેટિંગ કર્યું હોય તો, ગૂગલ ફોટોઝ મારફત આપણા ગૂગલ એકાઉન્ટમાં લેવાય છે. આવો ઓટોમેટિક બેકઅપ જરૂરી પણ છે, કેમ કે તો ફોનમાં કંઈક ગરબડ થાય તો પણ આપણા ફોટો-વીડિયો બચી જાય છે.
તકલીફ એ છે કે ગૂગલ ફોટોઝમાં આપણે આપણું ઓટોમેટિક બેકઅપનું સેટિંગ ઓન કરીએ ત્યારે તેમાં આપણો ખાસ કંટ્રોલ હોતો નથી. ફોનમાંના કેમેરા ફોલ્ડર ઉપરાંત વોટ્સએપ કે અન્ય ફોલ્ડરનો ઓટો બેકઅપ લેવો છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ. ફોટોની ક્વોલિટી પણ થોડી ઊતરતી પસંદ કરીએ તો સ્પેસ ઓછી વપરાય, પણ એથી વધુ કોઈ કંટ્રોલ મળતો નથી. પરિણામે, ફોનમાં જેટલા સ્ક્રીનશોટ લઈએ એ પણ ગૂગલના ખાતે ને છેવટે આપણા ખાતે ચઢતા જાય. આપણે ભૂલથી લીધેલા કે સારી રીતે કેપ્ચર ન થયેલા ફોટો-વીડિયો પણ ગૂગલમાં ઓટોમેટિક બેકઅપ થાય છે.
હવે સમાચાર છે કે ગૂગલને પણ આપણી આ તકલીફ સમજાઈ છે. હવે ફોટોઝમાં આપણે પોતાના ફેવરિટ ફોટો-વીડિયોનો જ બેકઅપ લેવાય એવો કંટ્રોલ આપણને મળશે. આ ફીચર અત્યારે બીટા વર્ઝનમાં કામ કરવા લાગ્યું છે, આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગશે, પણ જ્યારે મળે ત્યારે તેનો અચૂક લાભ લેવા જેવો છે.