Rajkot,તા.08
ગુજરાતમાં અમરેલીની પાટીદાર દિકરીને ‘લેટરકાંડ’માં જવું પડયું તે વિવાદ હજું શમતો નથી અને આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન પણ ફરી ચર્ચામાં આવી ગયુ છે અને ભાજપ આ ઘટના પર ભીસમાં છે અને આમ આદમી પાર્ટી- કોંગ્રેસને નવો મુદો મળી ગયો છે.
તે સમયે ‘આપ’ના અગ્રણી ગોપાલ ઈટાલીયાએ અમરેલીની દિકરીને ‘ન્યાય’ અપાવવા આપણે નિષ્ફળ ગયા છે તેવું એક જાહેર મંચ પર આક્રોશ વ્યક્ત કરતા તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્ના મલાઈની સ્ટાઈલથી પોતાના પર ચામડાના પટ્ટાથી પ્રહાર કરીને સૌને ચોકાવી દીધા હતા.
પછી તેઓએ પક્ષના સોશ્યલ મિડીયા એકાઉન્ટમાં આ ઘટનાનો વિડીયો પણ અપલોડ કર્યો હતો. સુરતમાં એક કાર્યક્રમમાં તેઓએ મોરબીથી લઈને ગુજરાતની ગત વર્ષની દુર્ઘટનાઓને યાદ કરી હતી અને બાદમાં અમરેલીની ઘટના પર બોલતા કહ્યું કે આપણા જ સમાજની દિકરીને આપણે ન્યાય અપાવી શકયા નથી.
બાદમાં તેણે મંચ પર જ પોતાનો બેલ્ટ કાઢીને ખુદને ‘સજા’ આપવા બેલ્ટ પોતાના પર જ વિંઝવાનું શરૂ કરતા સ્તબ્ધતા છવાઈ ગઈ હતી અને મંચ પરના લોકોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યું કે ગુજરાતના સૂતેલા ‘આત્મા’ને જગાડવા તેઓ બેલ્ટના છ ફટકા ખુદને મારે છે.
તે બાદ ગોપાલભાઈ ઝીંદાબાદના નારા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્ના મલાઈએ પણ આજ રીતે જાહેરમાં ખુદને ઉઘાડા શરીરે ચામડાનો પટ્ટો મારીને તામિલનાડુની જનતાને ડીએમકેના અન્ના ડીએમકેના શાસનમાં જે પિડા થઈ રહી છે તે બદલ ખુદને શિક્ષા કરી હતી.