Rajkot, તા. 16
વિસાવદરની ધારાસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા નિવડેલા આમ આદમી પાર્ટીના આક્રમક અગ્રણી ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભાના સભ્યપદે શપથ લીધા હતા. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ તેમને ગૃહના સભ્ય તરીકે શપથ લેવડાવ્યા બાદ અભિનંદન આપ્યા હતા તેમની બાદ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ચાવડાએ પણ શપથ લીધા હતા.
આ પૂર્વે આજે વિધાનસભા સંકુલ ખાતે પોતાના સેંકડો ટેકેદાર અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ એકમના પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવી સાથે વિધાનસભામાં શપથ લેવા પહોંચેલા ગોપાલ ઇટાલીયાએ ભારત માતા કી જય અને કેશુભાઇ પટેલ જિંદાબાદના પણ નારા લગાવ્યા હતા.
જય જવાન, જય કિસાન ઉપરાંત જય જય ગરવી ગુજરાતના નારા સાથે વિધાનસભા સંકુલમાં પહોંચ્યા હતા. શપથ લીધા બાદ તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં આક્રમક વિધાનો કરતા કહ્યું કે આજે ગુજરાતના રાજકારણમાં ઐતિહાસિક દિવસ છે અને ગૌરવની પણ ક્ષણ છે.
તેમને કહ્યું કે, મને પરાજીત કરવા એક તરફ વિશાળ સત્તા કામે લાગી હતી પરંતુ એક નાના ગામડાનો ખેડુત પુત્ર આજે વિધાનસભા પહોંચવામાં સફળ રહ્યો છે આ સંવિધાનની અને લોકોની તાકાત છે. તેમણે એમ પણ કહ્યું કે મેં માત્ર ધારાસભ્ય તરીકે શપથ લીધા નથી પરંતુ તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ગુજરાતમાં ખેડુતોનું રાજ સ્થાપવાના શપથ લીધા છે.
હવે ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની જનતાને તેમનો આત્મા જગાડવા આહવાન કરતા જણાવ્યું કે કયાં સુધી આવી લાચારી બતાવતા રહેશું, કયારેક પુલ તુટી જાય છે, કયારેક બોટ ઉંધી વળી જાય છે, કયારેક અગ્નિકાંડ સર્જાય છે અને લોકોના જીવ જાય છે. છતાં પણ કોઇ કાર્યવાહી થતી નથી, આપણે આટલી હદે સહન કરવાની કે લાચાર બનાવાની જરૂર નથી.
તેમણે એ પણ ઉમેર્યુ કે, લડાઇ માટે સૌએ તૈયાર થઇ જવું જોઇએ. એક મોટુ આંદોલન કરવાની જરૂર છે. આપણે સત્યાગ્રહ છાવણીમાં બેસીને રાહ જોવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પુલ તુટતા જ સરકારે રાજીનામુ આપી દેવું જોઇએ.
ગોપાલ ઇટાલીયાના રાજીનામાથી પુલ તુટતા બંધ નહીં થાય, પેપર ફુટતા બંધ નહીં થાય, જો આખી સરકાર રાજીનામુ આપે તો આ સીલસીલો બંધ થઇ જશે. આમ ધારાસભ્ય બનતા જ તેણે પોતાનો આક્રમક વલણ દર્શાવીને આગામી દિવસોમાં ચેેલેન્સની રાજનીતિને બદલે સરકાર સામે લોક મત જગાવવાની તેણે આહવાન કર્યુ હતું. એક સમયે ગોપાલભાઇ ઇટાલીયા પર વિધાનસભા સંકુલમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો ત્યાં જ આજે તેઓએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે અને વટભેર વિધાનસભામાં પ્રવેશ કર્યો છે.
ગોપાલ ઇટાલીયાએ તે સમય યાદ કરતા કહ્યું કે જે રીતે વિધાનસભામાં ગુજરાતની જનતાના હિત વિરૂધ્ધ અને પ્રજા વિરૂધ્ધ કાર્ય થતા હતા તેના વિરોધમાં મેં તે દિવસે પૂર્વ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતુ ફેંકયુ હતું.
આજે હું વિધાનસભામાં ધારાસભ્ય તરીકે આવ્યો છું અને મારો અવાજ હવે નીતિ નિયમ બદલવાનો હશે. તેમણે એક પણ કહ્યું કે સડકથી શરૂ થયેલો સંઘર્ષ આજે વિધાનસભામાં પહોંચ્યો છે અને ગુજરાતની જનતાનો અવાજ રજૂ કરીશ.
► કયારેક પુલ તુટે છે, કયારેક બોટ ઉંધી વળે છે, કયારેક અગ્નિકાંડ સર્જાય છે, કયારેક લઠ્ઠાકાંડ આ તમામમાં ગુજરાતની જનતા બેમોત મરે છે. આપણે સહન કરવાની કે લાચાર બનવાની જરૂર નથી. લડાઇ માટે તૈયાર થઇ જાવ.
► ગોપાલ ઇટાલીયાના રાજીનામાથી પુલ તુટતા બંધ નહીં થાય, પેપર ફુટતા બંધ નહીં થાય પણ સરકાર રાજીનામુ આપશે તો આ સીલસીલો બંધ થઇ જશે.
► વિસાવદરની જનતાએ એક નાના ગામડાના ખેડુત પુત્રને વિધાનસભામાં મોકલ્યો છે, હું લોકોનો વિશ્ર્વાસ તુટવા નહીં દઉં, એક મોટા આંદોલન માટે તૈયાર થઇ જાવ, કયાં સુધી આપણે સત્યાગ્રહ છાવણીમાં બેસીને સુત્રોચ્ચાર કરતા રહેશું.