Surendranagar તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ કેટલીક સરકારી સસ્તા અનાજની દુકાનો માંથી ગરીબો માટેના અનાજને બરોબર વેચી મારવાના અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે ગામમાં ઓચિંતી તપાસ માટે નીકળેલા મામલતદાર દ્વારા સ્કૂટર પર સરકારી અનાજનો કોથળો લઈ નીકળેલા શખ્સની તપાસ દરમ્યાન સંચાલક દ્વારા ગેરકાયદે વેચાઈ રહેલ અનાજની હેરાફેરીનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી હતી.
સસ્તા અનાજની દુકાનના પરવાનેદારનું મૃત્યુ થયું હોવાથી અન્ય દુકાનદારને તેનો ચાર્જ સોંપાયો હોવા છતા મૃત દુકાનદારના ભાઈ દ્વારા ગેરકાયદેસર દુકાન ખોલી તેમાંથી જરૂરિયાતમંદ લોકો માટેનું અનાજ બારોબાર વેચી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો પણ તંત્રના દરોડામાં બહાર આવવા પામી હતી.સાયલા મામલતદાર આર.એમ.ચૌધરી તથા તેમના પુરવઠા વિભાગ દ્વારા ગામમાં એક દુકાન માંથી ચણાનું કટ્ટુ લઈ જતા શખ્સની તપાસ દરમ્યાન આ જથ્થો તેને મેઇન બજારમાં આવેલ સ્વ.મગનભાઇ કોશિયાની દુકાનેથી ભીખાભાઈ કોશીયા દ્વારા 40 રૂપિયે પ્રતિ કિલોના ભાવે અપાયો હોવાનું જણાવતા ટીમે દુકાન પર દરોડો પાડ્યો હતો.
દરોડા સમયે મૃતક પરવાનેદારનો ભીખાભાઈ કોશિયા ત્યાં હાજર હતો તેમજ પુરવઠા વિભાગે ચણાના કોથળાને ગેરકાયદે વેચવા બાબતે તેને પૂછતા ગેંગેફેફે થઇ ગયો હતો.
તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા અનઅધિકૃત રીતે દુકાનમાં રાખેલ ચાર કટ્ટા તુવેરદાળ,ત્રણ કટ્ટા ચણા એમ કુલ 270 કિલો જથ્થો દુકાન સાથે સીઝ કર્યો હતો.
સાથે સાથે બાજુમાં આવેલ બીજી દુકાનની તપાસ હાથ ધરતા તેના પરવાનેદાર મહાદેવભાઈ વિરજીભાઈ કોશીયાની દુકાનનું સંચાલન પણ આ ભીખાભાઈ કોશીયા કરતો હોવાની માહિતી બહાર આવી હતી.બીજી દુકાનની તપાસમાં પણ સ્ટોક ચેક કરતા તેમાં જથ્થાની વધઘટ જોવા મળી હતી તેમજ ઓનલાઇન સ્ટોક સામે દુકાનમાં હાજર સ્ટોકમાં પણ ગોટાળા બહાર આવતા ત્યાંથી ઘઉં,ચોખા,ચણા 825 કિલોથી વધુ જથ્થા સાથે તેને પણ સીઝ કરાતા સરકાર દ્વારા ગરીબો ને અપાતા સસ્તા અનાજના જથ્થાનો ગેરકાયદે વેપલો ચલાવતા દુકાન ધારકો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.