Ahmedabad,તા.૭
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી જી આરએએમ જી યોજના સંદર્ભે મહાનગર કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ૠષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
ૠષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત છે ત્યારે તેમના નેતૃત્વમાં દરેક યોજનાઓ લોકહિતને કેન્દ્ર સ્થાને રાખીને બનાવવામાં આવી છે. દેશના દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે, દેશનો કોઈ નાગરિક ભુખ્યો ન સૂવે તેના માટે મફત રાશન મળે તેની ચિંતા હરહંમેશ પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. દેશની મહિલા, બાળકો, યુવા, ગરીબ તથા ખેડૂતો એમ દરેક માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. ભૂતકાળની કોંગ્રેસની સરકાર કોઈ પણ યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી.
ૠષિકેશભાઈ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી જી આરએએમ જી યોજના એ દેશના દરેક શ્રમિકને વધુ રોજગારી અને વધુ આર્થિક સક્ષમતા આપશે. ભુતકાળનાં ૧૦૦ દિવસને વધારીને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી તથા ખેતીના સમયમાં ૬૦ દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે ૧૨૫ દિવસ તથા ૬૦ દિવસ ખેતીની સીઝનમાં એમ કુલ ૧૮૫ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવી છે. ભુતકાળની કોંગ્રેસ સરકારે અનેક યોજનાઓનાં નામ પોતાના પરિવારના સભ્યોના નામે રાખ્યા છે. દેશની જનતા જાણે છે કે કોંગ્રેસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ભગવાન શ્રી રામના નામે યોજનાનું નામ રાખવામાં આવતા તેમના પેટમાં તેલ રેડાયું છે.
ૠષિકેશ પટેલે યોજના વિષે વધુમાં જણાવ્યું હતું મનરેગામાં ૧૫ દિવસે વેતન થતું હતું જે હવે વીબી જી આરએએમ જીમાં સાપ્તાહિક કરવામાં આવશે. આ ઉપરાંત યોજનામાં વધુ પારદર્શિતા લાવવા માટે રિયલ ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ અને મોબાઇલ આધારીત મોનિટરિંગ તથા બાયોમેટ્રિક અને એઆઇ નો ઉપયોગ કરવામાં આવશે.
આજની પત્રકાર પરિષદમાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાનાં સાંસદ દિનેશભાઈ મકવાણા , મહાનગરના મહામંત્રી પરેશભાઈ લાખાણી અને ભુષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

