Rajkot તા.3
રાજકોટ શહેર અને જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે કલેકટર પ્રભવ જોશીએ દરેક મામલતદારોને સુચનાઓ આપી છે. જે સૂચના અનુસંધાને છેલ્લા કેટલાંક મહિનાઓથી નિરંતર શહેર અને તાલુકાઓમાં મામલતદારો દ્વારા ગેરકાયદેસર દબાણો સાફ કરવામાં આવી રહ્યા છે.
જિલ્લાનાં સંબંધીત મામલતદારો દ્વારા દબાણકર્તાઓને, નોટીસો આપી અને નિયત સમયમાં દબાણ નહી હટાવનારનાં બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ રાજકોટ પુર્વ અને તાલુકા મામલતદારે કરોડો રૂપિયાની સરકારી જમીનો દબાણમુક્ત કરાવી હતી. ત્યારે, હવે આજરોજ પશ્ચિમ મામલતદાર એ.એમ.જોશી અને તેની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ, જિલ્લા કલેકટરનાં આદેશ અનુસંધાને રૈયા ગામતળમાં આવેલી 18 હજાર ચો.મી. જમીન કે જેની બજાર કિંમત રૂા.52.50 કરોડ થાય છે, તેનાં ઉપરથી 60 જેટલા જુદા-જુદા પ્રકારનાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતુ.
આ અંગે પશ્ચિમ મામલતદારનાં જણાવ્યા મુજબ રૈયા ગામ તળ પાસે આવેલ સરકારી માલિકીના એફપીમાં વાણિજય તેમજ રહેણાંક હેતુની આશરે 7000 ચો.મી. સરકારી જમીન જેની કિંમત બજાર કિંમત આશરે 52.50 કરોડ રૂપિયાની થાય છે, ત્યાં કલેકટર રાજકોટ પ્રભવ જોશી તેમજ પ્રાંત અધિકારી ડો.ચાંદનીબેન પરમારની સૂચના મુજબ મામલતદાર રાજકોટ શહેર પશ્ચિમ એ.એમ.જોશી દ્વારા ડેમોલિસન કરવામાં આવ્યું હતું.
રૈયા એફ.પી.નં.66/1માં કુલ 18000 ચો.મી. જમીન છે. આ સરકારી જમીન ઉપર લાંબા સમયથી કોમર્શિયલ, રહેણાંક અને ઝુપડાનાં દબાણો ખડકાઈ ગયા હતા. આ દબાણકર્તાઓને સ્વૈચ્છીક રીતે દબાણો હટાવી દેવા માટે મામલતદારે નોટીસો ફટકારી હતી, છતા દબાણકર્તાઓએ દબાણો નહી હટાવતા આજે મામલતદારે ડિમોલીશન કરી દીધુ હતું.
મામલતદાર કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઉપરોકત જમીન ઉપર લાંબા સમયથી 10થી12 કોમર્શિયલ યુનિટો જેમાં બેકરી, મંડપ સર્વિસ, ફેબ્રીકેશન, ગેરેજ અને દુકાનો હતી તેમજ 5થી7 જેટલા પાકા મકાનો પણ ઉભા થઈ ગયા હતા અને 30થી40 જેટલા ગેરકાયદેસર ઝુંપડા ખડકાઈ ગયા હતા.
આ તમામ દબાણો ઉપર આજરોજ જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ પશ્ચિમ મામલતદારે અને તેની ટીમે બુલડોઝર ફેરવી દઈ રૂા.52.50 કરોડની કિંમતની મૂલ્યવાન સરકારી જમીન દબાણ મુક્ત કરાવી હતી.