Gandhinagar,તા.૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અસાધારણ પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી, તેવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેની ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
ખેડૂતો અને કૃષિ સંલગ્ન સંસ્થાઓ વળતર અને પાક ધિરાણ માફ કરવાની માગ કરી રહી છે. તો વાસ્તવકિતા એ છે કે પાક ધિરાણને માફ કરવું એ સરકાર માટે પણ શક્ય નથી. રાજ્યમાં ૪૦ હજાર કરોડની આસપાસ ૩૩ લાખથી વધુ ખેડૂતોને પાક ધિરાણ મળે છે. સરકાર આ ધિરાણના વ્યાજ પેટે પણ કરોડો રૂપિયાની સહાય ચૂકવે છે. સરકાર પાક ધિરાણમાં વ્યાજ સહાય આપી શકે છે પણ પાક ધિરાણ માફ થાય તેવા કોઈ સંજોગો નથી. સરકાર એસડીઆરએફ યોજનામાં સહાયની મેટર ઉમેરીને એક રાહત પેકેજ જાહેર કરી શકે છે. રાજ્યમાં સૌથી વધારે નુક્સાન એ ૬ જિલ્લાઓમાં છે. જ્યાં ૩૩ ટકાથી વધારે નુક્સાન છે. સરકારે સરવે કરવાના આદેશો તો કરી દીધા છે પણ આગામી દિવસોમાં ફાયનલ થશે કે કેટલા દિવસમાં આ સહાયનું પેકેજ જાહેર થાય છે અને ખેડૂતોને સહાય મળે છે.

