New Delhi,તા.26
આકરા કાયદા છતાં દર્દીઓની જીંદગી સાથે ખીલવાડ કરતી નબળી ગુણવતા કે બનાવટી દવાઓનાં મામલે સરકારે હવે વધુ કડક કદમ ઉઠાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.હવે દવા સબ-સ્ટાર્ન્ડડ જાહેર થાય અથવા ગુણવતા માપદંડમાં ‘ફેઈલ’ થવાના સંજોગોમાં ઉત્પાદક ફાર્મા કંપનીનું લાયસન્સ જ રદ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.
દવાઓની ગુણવતા તથા તે સંબંધી કાયદા વિશે કેન્દ્ર તથા રાજયો વચ્ચે વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે તે દરમ્યાન આરોગ્ય મંત્રાલય દ્વારા આ દરખાસ્ત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહ્યુ કે સરકારી લેબ ચકાસણીમાં દવાનું સેમ્પલ ફેઈલ થાય અને સબ સ્ટાર્ન્ડડ જાહેર થવાનાં સંજોગોમાં ઉત્પાદક કંપનીનું લાયસન્સ સસ્પેન્ડ કરતો નિર્ણય લેવાયો છે અને તુર્તમાં તેજી નોટીફીકેશન જારી કરવામાં આવશે. ત્યારબાદ કંપની આ દવાનું વેચાણ કરી શકશે નહીં એટલું જ નહીં તેનો તમામ સ્ટોક પણ રી-ફોલ કરવો પડશે અને તેના તે દવા ફરી એક વખત સેન્ટ્રલ ડ્રગ ઓથોરીટી દ્વારા મંજૂરી અપાઈ તે પછી જ વેચાણમાં મુકી શકાશે.
જોકે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન કે જે આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે તેના આ પ્રકારના નિર્ણય સામે ફાર્મા લોબી વિરોધ કરે તેવા સંકેત છે. પરંતુ ભારતમાં જે રીતે સબ સ્ટાન્ડર્ડ દવાઓનું માર્કેટ વધી રહ્યું છે તે જોતા સરકારે હવે અંતિમ નિર્ણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે કે જે ગુણવતા ટેસ્ટમાં નિષ્ફળ જાય અથવા તો તેના ઉપયોગમાં પ્રશ્ન ઉભા થાય કે તુર્ત જ તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ત્યાં સુધી દવાનું વેચાણ સસ્પેન્ડ રહેશે. એટલું જ નહીં આ પ્રકારની દવાઓના ઉત્પાદન બદલ જે તે કંપનીઓ સામે શિક્ષાત્મક પગલા પણ લેવાઈ શકે છે.
ફકત ભારત જ નહીં વિદેશમાં નિકાસ થતા કફ સીરપ જેવા ઉત્પાદનો સામે પણ પ્રશ્ન ઉભા થયા છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ફાર્મા ક્ષેત્રને પણ સહન કરવું પડયું છે.
અમેરીકા સહિતના દેશોમાં નિકાસ થતી દવાઓમાં આ દેશની ડ્રગ કંટ્રોલ ઓથોરીટી ભારતમાં ફાર્મા ફેકટરીઓનું વારંવાર ચેકીંગ કરે છે અને તેના ગુણવતાના ધોરણો નિશ્ર્ચિત કરે છે પરંતુ દેશમાં વેચાતી દવાઓ માટે તે લાગુ પડતું નથી.
તેથી જ હવે સરકારે ડ્રગ સ્ટાન્ડર્ડમાં આંતરરાષ્ટ્રીય માપદંડ જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે તે અમલમાં મુકવા તૈયારી કરી છે અને તેમાં કંપનીઓના લાયસન્સ રદ કરવાની જોગવાઈ કરી છે.