Gandhinagar તા.15
રાજયના ચાર મહાનગરોમાં ચોમાસા દરમ્યાન રસ્તાઓને થયેલા નુકસાન, નબળા કામ, લોકોને મુશ્કેલીના સંજોગોમાં સરકારે કડક વલણ જ રાખ્યું છે. બે દિવસ પહેલાની મીટીંગમાં નવા સર્વે, રિપોર્ટના આદેશ, જરૂર પડયે એફઆઈઆરના આદેશ આપ્યા બાદ હવે સરકારે રોડ રીસર્ફેસીંગ સહિતના કામોની સમીક્ષા માટે ચાર ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરી દીધી છે.
આ રીતે સરકાર હવે ન માત્ર રસ્તા પણ અન્ય મોટા કામો ઉપર પણ નજર રાખશે તે સ્પષ્ટ બન્યુ છે. ભાંગેલા રસ્તાઓની મહાનગરોમાં વિગતવાર ચકાસણી કરીને સીધો સચીવને રિપોર્ટ આપવાની છે. જે સર્વેના કારણે રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર કોર્પો.ની ટીમો ફરી દોડાદોડીમાં પડી છે.
પ્રજાને જીવનજરૂરી સવલતો પૂરી પાડતા વિકાસકાર્યો સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. જે અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય અનુસાર, રાજ્યમાં ચોમાસા દરમિયાન ડિફેકટ લાયબિલિટી પિરિયડ હેઠળ બનાવાયેલા કેટલાક રસ્તાઓમાં થયેલ નુકસાનની સમીક્ષા કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
જેમાં રાજ્યની ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવી 4(ચાર) મહાનગરપાલિકાઓના રોડ ની કામગીરીની ચકાસણી કરવા અધિક્ષક ઈજનેરે નેતૃત્વ હેઠળ ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
આ ટીમ દ્વારા સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને, ડીફેકટ લાયાબીલીટી હેઠળના તૂટેલા માર્ગોની થયેલ કામગીરીની વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવશે.જે તાકીદે કાર્યા બાદ, સંબંધિત તમામ માહિતી સાથેનો અહેવાલ અગ્ર સચિવને સુપરત કરવામાં આવશે.
વધુમાં, વધુમાં, આગામી સમયમાં પ્રાદેશિક કમિશ્નરોની કચેરીઓ મારફતે નગરપાલિકાના વિસ્તારોમાં કરવામાં આવેલા રસ્તા મરામતના કામોના ક્રોસ વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ સ્થળ તપાસ દ્વારા માર્ગોની ગુણવત્તા અને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

