Gandhinagar,તા.07
ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદાલનકારીઓ સામેના 14 કેસો સરકારે પરત ખેચી લીધા છે જેમાં રાજય સરકારે હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે જે બે રાજદ્રોહના કેસ કર્યા હતા તેનો પણ સમાવેશ થાય છે.
તો આંદોલનના અન્ય ક્ધવીનર દિનેશભાઈ બાંભણીયા, અલ્પેશ કથીરીયા, ચિરાગ પટેલ સામેના કેસ પણ પાછા ખેંચાયા છે અને હવે પાટીદાર આંદોલનકારીઓ સામે કોઈ સરકારી કેસ પેન્ડીંગ નથી. આ આંદોલનમાં 14 જેટલા પાટીદાર યુવાનોના બલીદાન થયા હતા અને છ માસથી વધુ સમય ચાલેલા આંદોલનમાં સંખ્યાબંધ કેસ થયા હતા.
જેમાં સરકારે અલગ-અલગ સ્થળો પરની ઘટનામાં 14 કેસ કર્યા હતા અને તેમનો રાજદ્રોહ જેવા ગંભીર આરોપ પણ લગાવાયા હતા તે પણ હવે કેસ પાછા ખેચી આ તમામ 14 કેસ અમદાવાદ, સુરત, મહેસાણા તથા ગાંધીનગરમાં નોંધાયા છે જે પરત ખેંચી લેવાયા છે.
જો કે વિસનગરમાં હાલના આરોગ્યમંત્રી તથા ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ સહિતના મુદે હાર્દિક પટેલ સામે ઋષીકેશ પટેલે જે કેસ કર્યા હતા તેમાં હાર્દિક પટેલને 2 વર્ષની સજા ટ્રાયલ કોર્ટે કરી છે જે કેસમાં હાલ ‘સમાધાન’ થઈ ગયુ છે અને તે માટે સુપ્રીમમાં સમાધાન મંજુર રાખવાની અરજી પેન્ડીંગ છે જેમાં હવે સર્વોચ્ચ અદાલત મંજુરી આપે તો હાર્દિક પટેલને તે 2 વર્ષની સજા પણ રદ થશે.
આ અગાઉ 2022માં ચુંટણી લડવા માટે હાર્દિક પટેલે સુપ્રીમમાં તેની સામેના કેસ સામે અપીલ કરી હતી. સુપ્રીમે સજા સસ્પેન્ડ કરી હાર્દિકને ચૂંટણી લડવાની મંજુરી આપી હતી તેથી હવે તેમાં સર્વોચ્ચ અદાલતનું વલણ અપનાવે છે તેના પર નજર છે. પાટીદાર આંદોલનમાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાનમાં પણ તપાસ કેસ પાછા ખેચવાની શરત હતી.