New Delhi,તા.6
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલ ટેરિફની અસર ઓછી કરવા માટે ભારત સરકાર એક લાંબાગાળાની યોજના તૈયાર કરી રહી છે. એકસપોર્ટ પ્રમોશન મિશન અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયાથી નિકાસકારોને ટેરિફના ઝટકાથી બહાર લાવવા માટે સહયોગ અને સમર્થન કરવામાં આવશે.
આશા છે કે, ઓગષ્ટમાં આ મદદ અને રાહત યોજનાનું માળખુ તૈયાર કરવામાં આવશે અને સપ્ટેમ્બરમાં તેને લાગુ કરવામાં આવશે. આ યોજનાનો ઉદેશ છે કે ભારતના નિકાસકારોને વૈશ્વિક વ્યાપારની અનિશ્ચિતતાઓ અને ટેરિફના ઝટકાથી બચાવવામાં આવે.
જે અંતર્ગત નિકાસકારોને સસ્તી અને સરળ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તેઓ પોતાના વ્યાપારને વધારી શકે. આ ઉપરાંત વિદેશી બજારોમાં આવનારા બિનટેરિફ વિધ્નોનો સામનો કરવા માટે પણ ઉપાય કરવામાં આવશે.
આ મિશન વાણિજય, સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યમ મંત્રાલય અને નાણા મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવશે. આ યોજના જાપાન, કોરિયા અને સ્વીટઝર્લેન્ડ જેવા દેશોની નીતિઓની જેમ ભારતની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાની કોશિશ કરશે.
આ મિશનના પાંચ લક્ષ્ય: નિકાસકારોને સરળ લોન મળશે, જેનાથી ઉત્પાદન વધશે અને અમેરિકી બજારનો વિકલ્પ તૈયાર થશે. દરેક દેશના આયાત અને નિકાસના નિયમો અલગ છે. આ નિયમો અંતર્ગત ભારતમાં ઉત્પાદનની મદદ કરવામાં આવશે.
ભારતીય સામાનોની વૈશ્વિક ઓળખ વધારવાનું લક્ષ્ય, ઓનલાઈન વેપાર અને સ્ટોરેજની સુવિધા મળશે. પ્રક્રિયા સરળ બનાવી ભારતની નિકાસ વધારવાની તૈયારી.