Surendranagar, તા.18
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે `સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન હેઠળ જિલ્લા કક્ષાના મેડિકલ કેમ્પનું આયોજન મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ દંડક જગદીશભાઈ મકવાણા તેમજ સાંસદ ચંદુભાઈ શિહોરા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન આગામી તા. 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મેડિકલ કોલેજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવનાર છે.
આ તકે જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહીલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ચૈતન્ય પરમાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના ધાર ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. આ કેમ્પમાં કુલ 812 મહિલાઓ અને કિશોરીઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ સારવાર અને લેબોરેટરીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.