Junagadh, તા.30
પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના ત્રણ દિવસ જ રહ્યા છે ત્યારે માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે રૂટ પરના કાચા રસ્તાઓનું ધોવાણ થઈ જવા પામ્યું છે. કીચ્ચડથી રસ્તા પાણીના ખાબોચીયા વાળા બની ચુકયા છે. વાતાવરણમાં ઉઘાડ થાય બાદ પરિક્રમાના રૂટનું ચેકીંગ કરાશે. આવતીકાલે 31 ઓકટોબર સુધી પરિસ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે.
જીલ્લા કલેકટર અનિલ રાણાવસીયાના જણાવ્યા મુજબ પરિક્રમા રૂટની મરામત, રોડ રસ્તા, હેલ્થ, પીવાના પાણી, લાઈટ સહિતની તમામ સુવિધા પૂર્ણ કરી દેવામાં આવી હતી. છેલ્લા 5 દિવસથી માવઠાના વરસાદે ગીરનારની પરિક્રમાના રોડ-રસ્તામાં કીચ્ચડ-પાણીના ખાબોચીયાના કારણે ચાલવું અત્યંત મુશ્કેલ બની જવા પામ્યું છે. વ્હીકલ લઈને જવું કઠીન બન્યું છે. બાળકો અબાલ-વૃધ્ધ, અશકત દિવ્યાંગોએ ખાસ તાકીદ રાખવી જરૂરી બન્યું છે.
હાલ 36 કિ.મી.ની આ પાવનકારી પરિક્રમાના રોડ ધોવાઈ ચુકયા છે. હજુ પણ વરસાદની આગાહી સાથે ઘટાટોપ વાદળોથી આકા છવાઈ જવા પામ્યું છે. સૂર્ય નારાયણના દર્શનની રાહ જોવાઈ રહી છે. પરંતુ આજે પણ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઢંકાયેલુ છે ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અન્નક્ષેત્રોને પ્રવેશ બંધી
પાંચ દિવસથી માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જંગલના રોડ રસ્તાઓ અત્યંત ખરાબ થઈ જવા પામ્યા છે. વાહનો માટીમાં ગારામાં ખુંપી જાય તેવી સ્થિતિ સર્જાયેલી છે. જેથી આજે તા.30 સુધી પ્રવેશ બંધી અન્નક્ષેત્રોને ફરમાવવામાં આવી છે. હવામાન પરથી સ્થિતિને અનુરૂપ તંત્ર નિર્ણય કરશે તેમ જણાવાયું છે.
પરંપરા જાળવવી જરૂરી
ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાના જણાવ્યા મુજબ માવઠાના કારણે વાહનો ચાલી શકે તેમ નથી, રોડનું જંગલમાં ધોવાણ થવા પામ્યું છે. પરંપરા જાળવવા 100થી 200 લોકોને પ્રવેશ આપી પરિક્રમા પૂર્ણ કરાવાની માંગણી કરી છે. કોરોના કાળમાં 25 લોકોને પ્રવેશ આપી પરિક્રમા પૂર્ણ કરાવાઈ હતી.
તંત્ર અવઢવમાં મુકાયું
ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં મૂકાઈ ગયું છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે 31 ઓકટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં.
શ્રધ્ધાળુઓને અપીલ
કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
તંત્રએ નિર્દેશ આપ્યા છે કે વનવિભાગ, જઙ તથા કલેક્ટર જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીએ આવવું નહીં. ભારે વરસાદ પડે તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ઊભો થાય. આ સિવાય તંત્રએ અન્નક્ષેત્રોને પણ 31 ઓક્ટોબર સીધી કોઈ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે.
કલેક્ટર, DSF અને SPએ જણાવ્યું હતું કે જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો પણ વડીલો, બાળકો, બીમાર અને અશક્ત લોકો પરિક્રમામાં આવવાનું સ્વેચ્છાએ ટાળે તે હિતાવહ છે. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ 20 જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

