Surat,તા.16
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાનના જન્મ દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ આ સ્કિમ લોન્ચ કરવામાં આવશે. આ પોલિસી ઈવીને વ્હીકલ ટેક્સમાં મોટી રાહત આપશે.
જેમાં 1.50 લાખની બાઇકથી માંડી 25 લાખની કાર સુધીના વાહનોમાં 3000થી લઈ 1 લાખનો સીધો ફાયદો થશે. આમ ક્લિન સિટી બન્યા બાદ સુરત હવે ગ્રીન સિટી બનવા માટેની તૈયારી પણ કરી લીધી છે.
ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પડકારો અને વાયુ પ્રદૂષણની વૈશ્વિક ચિંતા વચ્ચે સુરત મહાનગરપાલિકાએ “ગ્રીન વ્હીકલ પોલિસી” અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ નીતિનો અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે અને તે દિવસથી જ લાગુ કરવામાં આવશે.
આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો છે. ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, અને બાયો-ફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગ વધે તેવો છે. આ પોલિસી પર્યાવરણને અનુકૂળ ગતિશીલતાને પ્રોત્સાહન આપશે. આ નીતિ હેઠળ, ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને પાંચ વર્ષ માટે વાહન વેરામાં પણ રાહત અપાશે.
આ પોલિસીમાં નાગરિકોને આકર્ષક લાભો અપાશે. જેથી તેઓ પરંપરાગત વાહનોને બદલે પર્યાવરણને અનુકૂળ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત થાય. આ પોલિસીનો લાભ માત્ર ઇલેક્ટ્રિક વાહનો પૂરતો નહી પરંતુ હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને અન્ય વૈકલ્પિક ટેકનોલોજીના વાહનો ખરીદતા લોકોને પણ લાગુ પડશે.
ગ્રીન વાહનો ખરીદનારને પોલિસીના સમયગાળા દરમિયાન પર્યાવરણ ચાર્જમાંથી સંપુર્ણ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, પાલિકા સંચાલિત પાર્કિંગ સ્થળોમાં ગ્રીન વાહનો માટે 10% પાર્કિંગ જગ્યા અનામત રખાશે. આ સુવિધા પાર્કિંગની સમસ્યાને પણ હળવી કરશે અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
સુરતની આ “ગ્રીન વ્હીકલ પોલિસી” માત્ર ઇલેક્ટ્રિક વાહનો પૂરતી સીમિત નથી, પરંતુ તે ભવિષ્યના સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ અનુકુળ તમામ ફ્યુલમાં લાગુ થશે. આ પોલિસીનો હેતુ હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ આધારિત ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો છે.
સુરત મહાનગરપાલિકાએ આ પોલિસીનો ભાગ રૂપે પ્રાયોગિક ધોરણે હાઇડ્રોજન બસ દોડાવવાનું પણ આયોજન કર્યું છે, જે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં એક મોટું પગલું છે.