Jasdan તા.2
જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. 509.પર લાખના ખર્ચે જસદણ બાયપાસ પરના સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રૂા.288.21 લાખના ખર્ચે ભાદર નદી પર (કાળીયા બ્રીજ) હાઈ લેવલ સબમર્સીબલ બ્રીજ બનાવવાના કુલ રૂ.797.73 લાખના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં જસદણના નગરજનો તેમજ આસપાસના ગામડાઓને વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે. જસદણ વિંછીયા તાલુકાના નાગરિકો માટે ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટને લીધે સુવિધા અને રોજગારનું કેન્દ્ર અને ફરવાલાયક સ્થળ બનશે.
તથા ભાદર નદી પરના કાળીયા બ્રીજને હાઈ લેવલ સબ મર્સીબલ બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેના વિકાસથી જસદણના લાતી પ્લોટના ઉદ્યોગ વિસ્તારના ઉદ્યમીઓને, નગરજનોને અને અન્ય વટેમાર્ગુઓને આવાગમનમાં સરળતા રહેશે. રિવરફ્રન્ટ અને બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત બને, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકિયા, નગરપાલિકા આયોજન સમિતિના ચેરમેન પિ વી ભાયાણી ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ અગ્રણી આગેવાન નરેશભાઈ ચોહલીયા , કોર્પોરેટરશ્રી, કાર્યકરો, અગ્રણીશ્રીઓ અને મામલતદાર આઈ.જી.ઝાલા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

