America,તા.05
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના માળખામાં તાજેતરમાં કરાયેલા ફેરબદલનો દેશના અર્થતંત્ર પર માત્ર મર્યાદિત પ્રભાવ પડશે, એવો મત બેન્ક ઓફ અમેરિકા (BoA)એ વ્યક્ત કર્યો છે. બોફાના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં જીએસટીનો અસરકારક દર સરેરાશ ૧૧ ટકા રહ્યો છે, જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં આ દર ઘટીને ૧૦.૯૦ ટકા રહેવાની ધારણા છે. દરોમાં આ ફેરફારને કારણે સરકારની તિજોરીને લગભગ રૂપિયા ૪૮,૦૦૦ કરોડનું નુકસાન થવાની શક્યતા છે, જે જીડીપીના ૧૩ બેઝિસ પોઈન્ટ જેટલું છે. બેન્કનું માનવું છે કે જો નુકસાનનો આંક અંદાજ કરતા થોડો વધારે પણ રહે, તો મજબૂત ઉપભોગ તથા ઈનપુટ ટેકસ ક્રેડિટના ઓછા દાવાથી તેનો અમુક અંશે ભરપાઈ થઈ શકશે.
જીએસટી દરમાં ઘટાડાને કારણે મોંઘવારી ઘટશે અને ઉપભોગમાં વધારો થશે. આ પરિસ્થિતિ રિઝર્વ બેન્કને વ્યાજદર નીતિમાં વધુ લવચીકતા આપશે. જોકે રિઝર્વ બેન્ક કોઈપણ વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય આવનારા ડેટા પર આધારિત રાખશે અને ઉતાવળમાં પગલાં નહીં ભરે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોષિય દૃષ્ટિએ પણ જીએસટીમાં થયેલા ઘટાડાથી સરકારની નાણાકીય સ્થિતિ પર મોટો ખલેલ નહીં પડે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશની રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪૦ ટકા જ રહેવાની ધારણા બોફાએ જાળવી રાખી છે.